વુલીચઃ સાઉથ ઇસ્ટ લંડનમાં આવેલા વુલીચમાં કચ્છીઓ દ્વારા નવનિર્મિત કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરમાં નવ દિવસીય ઘનશ્યામ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજન કરાયું છે. પાંચમી ઓગસ્ટથી કાર્યક્રમો શરૂ થયા હતા. પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘનશ્યામ મહારાજની નગરયાત્રામાં પાંચેક હજાર હરિભક્તો ઉમટી પડ્યા હતા. સોમવારે આચાર્ય મહારાજ અને મહંત સ્વામીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરાઈ હતી. ભૂજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત સહિત વડીલ સંતોની પ્રેરણા અને પીઠબળથી વુલીચમાં મંદિરનો જિર્ણોદ્ધાર સંપન્ન થતાં મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું.
વર્ષ ૧૯૮૬માં કચ્છી હરિભક્તોની શ્રદ્ધા-સમર્પણથી સર્જાયેલું મૂળ મંદિર નાનું પડતાં હરિભક્તોએ યથાશક્તિ આર્થિક અનુદાન સેવા કરતાં વિશાળ મંદિર સર્જાયું છે. બે માળના આ મંદિરમાં કાષ્ઠકલા મંડિત તખ્તામાં સ્વામીનારાયણ આસન મૂર્તિ, ડાબે નરનારાયણ દેવ, જમણે રાધાકૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજની પૂર્ણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે.
સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદજી, ભૂજ મંદિરના મહંત સ્વામી જેવા વડીલ સંતોના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાઈ હતી. મંદિરના મુખ્ય ગેટનો ચડાવો શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિર હેરો (૫૧ હજાર પાઉન્ડ)ને અને અંદરના ગેટનો ચડાવો કે. કે. જેસાણી પરિવારને આભારી છે. રવિવારે બ્રિટનમાં માર્ગારેટ ગ્રોવ સુધીની વિશાળ નગરયાત્રામાં હિન્દુ સનાતન પરંપરાના રથ, સ્કોટિશ પાઈપ બેન્ડ દ્વારા શિસ્તબદ્ધ રજૂઆત, ફૂલ કળશધારી મહિલાઓ, હરિભક્તોના કીર્તન-સંગીત સાથે તથા ભૂજ મંદિરના ૪૧ સંતોની હાજરીથી ભક્તિમય માહોલ બન્યો હતો. યુકેના વિલ્સડન, હેરો, કેન્ટન, સ્ટેનમોર, ઓલ્ધામ, ઈસ્ટલંડન, બોલ્ટન, માંચેસ્ટર, આફ્રિકાના કચ્છ સત્સંગ ગ્રુપ, પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળ, મોમ્બાસા, નકુરુ, કંપાલા તથા કચ્છ ચોવીસી સત્સંગના હરિભક્તો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. વુલીચ મંદિરની કાર્યવાહક સમિતિના પ્રમુખ લાલજીભાઈ હાલાઈના નેતૃત્વમાં સફળતાથી ઘનશ્યામ લીલા ગ્રંથની પધરામણી શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામીએ કરી હતી. મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા વિધિ પછી મંદિર ભાવિકો માટે ખુલ્લું મુકાયું હતું. કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે મંદિરના ઐતિહાસિક વર્ણન સાથે છેલ્લા ૩૧ વર્ષમાં સહયોગી સૌને યાદ કર્યાં હતાં.
સ્વામીનારાયણ એવોર્ડ કાર્યક્રમ, શિવપૂજા અને યુકે મંદિરના રાત્રિ કાર્યક્રમો થયા હતા. મંદિરમાં મહાપૂજા અને રાજોપચાર વિધિ, નાટ્ય પ્રયોગ ધર્મ સહિતના કાર્યક્રમની વિગત મંદિરના પ્રેસિડેન્ટ લાલજીભાઈ હાલાઈએ આપ્યા મુજબ કાર્યક્રમો મંદિરમાં થઈ રહ્યાં છે.