લંડનઃ બેડોળ શારીરિક દેખાવ, જીવનનો ચળકાટ અને નાણા ગુમાવવાના ભયથી જીવનરક્ષક સારવારનો ઈનકાર કરનારી ૫૦ વર્ષીય ફેશનેબલ પ્રૌઢ મહિલાનું આખરે મૃત્યુ થયું છે. કોર્ટ ઓફ પ્રોટેક્શનમાં આ ત્રણ પુત્રીઓની માતા કાનૂની યુદ્ધનું કેન્દ્ર બની હતી કારણ કે તેણે રેનલ ડાયાલીસીસ કરાવવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટમાં તેના નિર્ણય લેવાની માનસિક ક્ષમતાને જજે યોગ્ય ઠરાવી હતી. આમ, એક રીતે સ્વમૃત્યુના નિર્ણયને કોર્ટે મંજૂરી આપી હતી. આ પછી આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસમાં તેણે શેમ્પેઈન સાથે પેઈનકિલર્સનો ઓવરડોઝ લેતાં તેનાં લિવર અને કિડનીને ગંભીર નુકસાન થયું હતું.
ચાર વખત લગ્ન કરનારી આ મહિલાના સંખ્યાબંધ પ્રેમીઓ હતા અને તેનું ફેશનપ્રિય સામાજિક જીવન અતિ સક્રિય હતું. તેણે કહ્યું હતું કે ખરાબ આરોગ્ય, કદરૂપતા, ગરીબીમાં સબડવા અને ઝગમગતા સામાજિક જીવનને ગુમાવવા કરતા તે મોતને વધુ પસંદ કરશે. મહિલાની પુત્રીએ માતાના મોત સંદર્ભે જણાવ્યું હતું કે તેની માતા કોઈ પણ પાર્ટીનું જીવન, આત્મા અને ચમક હતી. પોતાની મરજી અનુસાર જીવન જીવવામાં માનતી આ મહિલા દક્ષિણ ઈંગ્લેન્ડમાં બુટિક હોટલ ચલાવતી હતી અને ૨૦૧૪માં તેને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. તેને પોતાના શારીરિક દેખાવમાં ઉણપ સર્જાય તે પસંદ ન હતું.
ગયા મહિને કોર્ટ ઓફ પ્રોટેક્શનમાં આ મહિલામાં સારવારનો ઈનકાર કરવાની માનસિક ક્ષમતા હોવાનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે તે આ રીતે વૃદ્ધ થવા કે જીવનની ચમક ગુમાવવા માંગતી નથી. જોકે, સુનાવણીમાં દલીલો પછી જસ્ટિસ મેકડોનાલ્ડે ચુકાદામાં જણાવ્યું હતું કે સારવારના ઈનકારનો નિર્ણય ‘ડહાપણ વિનાનો’ કે ‘અનૈતિક’ પણ હોઈ શકે પરંતુ, માનસિક ક્ષમતા વિનાનો ન ગણી શકાય. કિંગ્સ કોલેજ હોસ્પિટલ NHS ટ્રસ્ટ દ્વારા ફરજિયાત સારવાર કરાય તે વિશે ચુકાદો આપવા જણાવાયું હતું. ડોક્ટરોએ હાઈ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે આ મહિલા ‘નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર’થી પીડાય છે, જેની અસર તેના નિર્ણય પર પડી છે.