લંડનઃ ઈન્ડિયન એસોસિએશન સંસ્થાના ૮૦ વર્ષીય અધ્યક્ષ અને બિનનિવાસી વૃદ્ધ બલવંત ગરેવાલ જરૂરિયાતમંદો માટે ૧૫ કરોડ જેટલી રકમ એકત્રિત કરવા કન્યાકુમારીથી દિલ્હી સુધી ૪૧૬૦ કિ.મી.ની પદયાત્રા કરશે. બલવંત ગરેવાલ ૨૫મી ઓક્ટોબરે મેરેથોન વોક શરૂ કરશે, જે આગામી વર્ષે ચોથી એપ્રિલે પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે.
મિત્રોમાં બોબી જેવા હુલામણા નામે ઓળખાતા બલવંત ગરેવાલ આ પદયાત્રામાં મદુરાઈ, પોંડિચેરી, ચેન્નાઈ, નેલ્લોર, ગુન્ટુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, કોલકાતા, આસનસોલ, રાંચી, ગયા, પટણા, વારાણસી, અલ્લાહાબાદ, કાનપુર, લખનૌ અને નોઈડાને પણ આવરી લેશે. આ મેરેથોન વોક વખતે જ તેઓ પોતાનો ૮૧મો જન્મદિવસ ઊજવશે. આ યાત્રા પૂરી કરવા તેમણે રોજના ૩૦થી ૪૦ કિ.મી ચાલવું જરૂરી છે.
બલવંત ગરેવાલ દ્વારા એકત્રિત દાનની રકમ બ્રિટિશ એશિયન ટ્રસ્ટમાં બાળકોની હોસ્પિટલો અને ભારતમાં વિવિધ કાર્યક્રમો માટે ખર્ચાશે. હાલમાં જ બોબીએ અમૃતસરથી કન્યાકુમારી અને એડિનબર્ગથી લંડન સુધી ચાલીને બ્રિટન અને ભારતમાં કેન્સર રીસર્ચ માટે ભંડોળ એકત્રિત કર્યું હતું.
ઈન્ડિયન એસોસિએશને સેંટ માર્ક્સ હોસ્પિટલને બોવેલ કેન્સર રીસર્ચ માટે રૂ. ૮૦ લાખ અને નોર્થવિક પાર્ક હોસ્પિટલને કેન્સર રીસર્ચ માટે રૂ. ૪૫ લાખ દાન આપ્યું હતું. આ સંસ્થાએ ઓક્સફર્ડ યુનિ.ને એચઆઈવી રીસર્ચ તેમજ ગુજરાતમાં ભૂકંપ સંબંધિત રાહતકાર્યો માટે આર્થિક મદદ કરી છે.