લંડનઃ કેન્સિંગ્ટન પેલેસના સ્ટાફના પગારમાં ૩,૦૦૦ પાઉન્ડના કાપની દરખાસ્તના પગલે સ્ટોફે હડતાળ પર ઉતરવાની ધમકી આપી છે. પેલેસની મુલાકાત લેતા પ્રજાના સભ્યો સાથે કામ પાર પાડતા કર્મચારીઓને તેમના કામના કલાક ઘટાડવાનું કહેવાયું હતું. જો આ દરખાસ્ત સ્વીકારાય તો તેમની વાર્ષિક આવક લિવિંગ વેજથી પણ નીચે જાય તેમ હતું.
ધ પબ્લિક એન્ડ કોમર્શિયલ સર્વિસીસ યુનિયન (PCS) દ્વારા સમાધાનની વાતચીત ચાલી રહી છે, પરંતુ હડતાળ માટે મતદાન લેવાવાની શક્યતા વધુ છે. વેતનકાપની દરખાસ્ત સાથે સંકળાયેલા વર્કર્સમાં યુનિફોર્મધારી વોર્ડન્સનો સમાવેશ થાય છે, જેઓ પેલેસના પ્રજા માટે ખુલ્લા વિભાગોમાં કામ કરે છે, એક્ઝિબિટ્સના રક્ષણ સાથે મુલાકાતીઓને મદદ તેમજ ટિકિટ ઓફિસમાં કરે છે. ઘણા વર્કર તો દાયકા કરતા વધુ સમયથી કામ કરે છે. એક સ્ટાફ મેમ્બરે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટમાં જણાવ્યું છે કે તેઓ લંડન લિવિંગ એલાવન્સમાં કાપ મૂકી શકે છે. તેઓ સવારના સ્ટાર્ટિંગ ટાઈમ અને બંધ થવાના સમયમાં પણ કાપ મૂકવા માગે છે.
ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજના લંડનમાં નિવાસ કેન્સિંગ્ટન પેલેસમાં ૧૨ મિલિયન પાઉન્ડના ખર્ચે ૨૦૧૨માં સજાવટ કરાઈ હતી. આ ઉપરાંત, ૨૦૧૪માં પ્રિન્સ વિલિયમ અને કેટના પ્રાઈવેટ એપાર્ટમેન્ટ્સમાં પણ ૪.૫ મિલિયન પાઉન્ડના ખર્ચે નવીનીકરણ કરાયું હતું. વર્ષે ૪૦૦,૦૦૦ મુલાકાતી પેલેસના જાહેર સ્થળો, રેસ્ટોરાં, પ્રદર્શનો અને કાર્યક્રમોની મુલાકાત લે છે. ગયા વર્ષે વિન્ડસર કેસલ ખાતે પણ આવો વિવાદ સર્જાયો હતો, જેમાં વેતનવૃદ્ધિ વિના વધારાની ફરજો બજાવવા મુદ્દે સ્ટાફે હડતાળની ધમકી આપી હતી.