લંડનઃ વેલ્ફેર પર આધાર રાખવાની બ્રિટિશ સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું છે. બેરોજગારી બેનિફિટ, મુખ્યત્વે સિંગલ પેરન્ટ માટેનો ઈન્કમ સપોર્ટ અને ડિસેબિલિટી સપોર્ટ જેવાં મુખ્ય બેનિફિટ્સના દાવેદારોમાં મજબૂત અને સ્થિર ઘટાડો થઈ રહ્યો છે અને તેનો દર ૩૫ વર્ષના સૌથી તળિયે પહોંચ્યો છે. ૧૯૯૩માં બેનિફિટ્સ ક્લેમ દર ૧૭ ટકા હતો, જે ૧૯૮૦ પછી ઘટીને ૧૦ ટકાએ આવ્યો હતો.
લંડનની થિન્ક ટેન્ક રેઝોલ્યુશન ફાઉન્ડેશન દ્વારા ઓછી-મધ્યમ આવક રળનારના અભ્યાસમાં આ મુદ્દો સ્પષ્ટ થયો છે. જોકે, બેરોજગારી અને સિંગલ પેરન્ટ માટેનો ઈન્કમ સપોર્ટની દાવેદારીમાં નોંધપાત્ર ઘટાડા છતાં ડિસેબિલિટીના ક્લેઈમ્સ ઊંચા જ રહ્યા છે. બ્રિટને તાજેતરના દાયકાઓમાં, ખાસ કરીને બાળકો સાથેના પરિવારોમાં રોજગારીનો રેકોર્ડ ઘણો સુધાર્યો છે. બ્રિટનની સરખામણીએ યુએસમાં લેબર માર્કેટ પાર્ટિસિપેશન ઘટ્યું છે. યુએસમાં કામ નહિ કરતાં લોકો કામની તલાશનો પ્રયાસ પણ કરતા નથી.