લંડનઃ વાસ્તવિક જીવનની હન્નાહ મોન્ટાના, ૨૩ વર્ષીય નેસ્ડી જોન્સ બે એક હોવાં છતાં અલગ જીવન જીવી રહી છે. એક જીવન તે ક્રિસીએથમાં માતાપિતા સાથે રહીને રેસ્ટોરાંમાં વેઈટ્રેસ તરીકે પાર્ટ ટાઈમ જોબ કરીને અને બીજું ભારત, નાઈજીરીયા, કેનેડા અને અન્ય દેશોમાં બહુભાષી પોપ સ્ટાર તરીકે જીવી રહી છે.
નેસ્ડીએ કહ્યું, હતું કે,‘ હું ૧૫ વર્ષની હતી ત્યારે મેં ક્યારેય ભારત જવાની કે હિંદી અથવા પંજાબીમાં ગાવાની કલ્પના સુદ્ધાં કરી નહોતી. એક સ્કૂલમાં કામ કરવા માટે ૧૭ વર્ષે હું ભારત ગઈ ત્યારે તે દેશ અને તેના સંગીતમાં મને ખૂબ રસ પડ્યો. મેં ભારતના રેપ સિંગર અને પ્રોડ્યુસર હનીસિંઘે ગાયેલા ગીતોનો વીડિયો યુ ટ્યુબ પર અપલોડ કર્યો તે જોઈને તેમણે મને ગીતો ગાવા પસંદ કરી હતી. હું ગોરી યુવતી છું. મારી સંસ્કૃતિ તદ્દન અલગ છે પરંતુ હું પંજાબી અને હિંદીમાં ગીતો ગાઉં છું.’
ઓફિસિયલ એશિયન ડાઉનલોડ ચાર્ટમાં એક કરતાં વધુ વખત નેસ્ડી પ્રથમ સ્થાને રહી છે. બ્રિટિશ ભાંગડા એવોર્ડ ૨૦૧૪માં તેને ‘બેસ્ટ ન્યૂકમર’નો એવોર્ડ અપાયો હતો. તે ટુંક સમયમાં સિંગલ ગીતોનો મ્યુઝિક વીડિયો રેકોર્ડ કરવા ઉપરાંત, દિલ્હીની ક્લબમાં પરફોર્મ કરશે અને ટેલિવિઝન પર હિંદીમાં ઈન્ટરવ્યૂ આપતી દેખાશે.