લંડનઃ બ્રિટનનો એક કિશોર ઇસ્લામિક સ્ટેટની સહાય માટે સિરીયા પહોંચ્યો હોવાની ઘટના બહાર આવી છે. આ કિશોરનો ભાઇ પણ દોષિત ઠરેલો દેશનો સૌથી યુવાન આતંકી છે. એવું માનવામાં આવે છે કે ડ્યૂસબરીના વેસ્ટ યોર્કશાયર શહેરથી ૧૭ વર્ષીય હાસન મુન્શી અને તેનો ખાસ મિત્ર ગત સપ્તાહે રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા હતા. જિહાદી પ્રવૃત્તિ માટે કોઇ બ્રિટિશ મુસ્લિમ યુવાને તેનું ઘર અને પરિવારને અલવિદા કહ્યું હોય તેવી અત્યાર સુધીની અંતિમ ઘટના છે. હસાનનો ભાઇ હમાદ ૧૫ વર્ષની ઉંમરે આતંકવાદ વિરોધી પોલીસના હાથે વર્ષ ૨૦૦૬માં પકડાયો હતો. પછી તે બિનમુસ્લિમોની હત્યાનું કાવતરું ઘડવામાં ભૂમિકા બદલ દોષિત પણ ઠર્યો હતો. તેના ભાઇના દાદા યાકુબ મુન્શી ડ્યુસબરીમાં જાણીતા ઇસ્લામિક સ્કોલર છે અને ત્યાં શહેરની પ્રથમ શરિઆ કોર્ટ શરૂ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ મસ્જિદના વડા છે અને ત્યાં પરિવારે નમાઝ પણ અદા કરી હતી.
માનવામાં આવે છે કે એપ્રેન્ટિસ હસાન અને તેનો વિદ્યાર્થી મિત્ર તલ્હા અસમાલ ઘણા દિવસથી ગાયબ હતા. આ બંનેના પરિવારજનોએ તેમનો મોબાઇલ ફોન પર સંપર્ક કર્યો પણ તે થઇ ન શકતા તેમણે પોલીસને જાણ કરી હતી. તલ્હાએ તેના પરિવારને થોડા દિવસ માટે સ્કૂલના પ્રવાસે જવાની વાત કરી હોવાનું માનવામાં આવે છે. ડ્યૂસબરીના આ કિશોરોને પકડવા માટે પોલીસે સિરીયા સરહદના તૂર્કી તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જોકે, બ્રિટિશ સત્તાવાળાઓના મત મુજહ બંને હવે સિરીયામાં છે. આ પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ હસાનનો પરિવાર આ વાતને જરા પણ માનવા તૈયાર નથી, જ્યારે તલ્હાના પિતા એદકમ ભાંગી પડ્યા છે. ગાયબ આ બંને કિશોરો જ્યાં રહે છે તે દક્ષિણ ડ્યૂસબરીના મુસ્લિમ વસતી વધુ ધરાવતા સેવિલ શહેરની ગણના થોડા વર્ષથી તોફાની પંથકમાં થાય છે, અહીંના તાર ઇસ્લામિક કટ્ટરવાદીઓ સાથે જોડાયેલા છે. મુન્શીની સહિત મોટાભાગની મસ્જિદો દેવબંધી પરંપરાને અનુસરે છે, જેણે અફઘાનિસ્તાનમાં તાલિબાનને જન્મ આપ્યો છે. આ અંગે લેખક સલમાન રશ્દિએ ઉલ્લેખ પણ કર્યો છે. સેવિલ ટાઉન
વૈશ્વિક ઇસ્લામિક મૂવમેન્ટ તબલિઘી જમાતના યુરોપના મુખ્યાલય તરીકે સેવિલ જાણીતું છે. વેસ્ટ યોર્કશાયર પોલીસ અને મુન્શી પરિવારના સભ્યએ આ બંનેના ગાયબ થવા અંગે નિવેદન આપવાનું ટાળ્યું હતું.