વૈશાખી ઉત્સવની લંડનના સિટી હોલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ

Tuesday 14th April 2015 11:16 EDT
 
 

લંડનઃ સેંકડો લોકો શનિવાર, ૧૧ એપ્રિલે રિવરસાઈડ પર ટાવર બ્રિજ પાસે આવેલી સિટી હોલ ઈમારત ખાતે શીખધર્મીઓ માટે અતિ મહત્ત્વનો પ્રખ્યાત વૈશાખી ઉત્સવ મનાવવા એકત્ર થયાં હતાં. લંડનના વૈશાખી ઉત્સવે નવા રૂપરંગ ધારણ કરી સૌપ્રથમ વખત ટ્રફાલ્ગર સ્ક્વેરના બદલે નવા સ્થળે ઉજવણીનો માહોલ સર્જ્યો હતો. વડા પ્રધાન ડેવિડ કેમરને શીખ, તામિલ અને સિંહાલી સમુદાયો સહિત બ્રિટિશ એશિયનોને ૧૪ એપ્રિલે આરંભાતા નવા વર્ષના તહેવારની ઉષ્માસભર શુભેચ્છા પાઠવી હતી. લંડનમાં ઉત્સવની ઉજવણીઓ લંડનસ્થિત ૧૨૬,૦૦૦ અને વિશ્વમાં વસતા ૨૦ મિલિયન શીખો સહિત તમામ સમુદાયો અને ધર્મોના લોકો માટે આનંદપૂર્ણ બની રહે છે. શીખ ધર્મની સ્થાપના ૧૬૯૯માં થઈ હતી.

વડા પ્રધાન કેમરને શીખોની પ્રશંસા સાથે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે,‘ખાલસાના જન્મની યાદગીરી તરીકે આભાર વ્યક્ત કરવા સમગ્ર વિશ્વનો શીખ સમુદાય પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરવા એકત્ર થાય છે. ભપકાદાર સરઘસો તેમજ ઘર, પડોશ અને ગુરુદ્વારાઓમાં ભવ્ય ઉજવણીઓ થાય છે.’ તેમણે બ્રિટનને શીખ સમુદાય દ્વારા અપાયેલા સમૃદ્ધ પ્રદાનને યાદ કર્યું હતું.

સિંઘ સભા લંડન ઈસ્ટ ગુરુદ્વારા, ઈવાય શીખ નેટવર્ક અને શીખ જૂથો સાથે સલાહ-મસલતો પછી શીખ ઓળખ અને સંસ્કૃતિના પ્રતીકરૂપ વૈશાખી ઉજવણી સિટી હોલના નવા સ્થળે ખસેડવા નિર્ણય લેવાયો હતો. આ સ્થળે હજારો લોકોએ પરંપરાગત નૃત્યો, પાઘડી બંધાવવાની પદ્ધતિ અને શીખોના આધ્યાત્મિક સંગીત (શબદ કીર્તન) અને શીખ સ્વયંસેવકો દ્વારા અપાતા ભોજન (લંગર)નો લાભ લીધો હતો.

લીડ્ઝ ખાતે આશરે ૧૦૦૦ શીખોએ પરંપરાગત જુલુસ કાઢ્યું હતું, જેમાં અન્ય સમુદાયના લોકો પણ સામેલ થયાં હતાં. ચેપલટાઉન ગુરુદ્વારા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શીખ માર્શલ આર્ટ્સનું પ્રદર્શન અને શ્લોકોચ્ચારનો સમાવેશ થયો હતો. બીજી તરફ, સાઉથોલમાં પણ શીખોએ રવિવારે માર્ગો પર વૈશાખીની ઉજવણી કરી હતી. હેવલોક રોડ ગુરુદ્વારાથી સવારે ૧૧ કલાકે શરૂ થયેલું જુલુસનું સમાપન સાંજે ચાર કલાકે પાર્ક એવન્યુ ગુરુદ્વારા ખાતે થયું હતું. મુલાકાતીઓને નિઃશુલ્ક ભોજન માટે લંગરની વ્યવસ્થા કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter