લંડનઃ ઈન્ડિયા લીગ અને લંડનમાં ભારતના હાઈ કમિશન દ્વારા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. નવા હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીના નેતૃત્વમાં લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની ઐતિહાસિક પ્રતિમા પાસે ભારતીય ડાયસ્પોરા, સંસદસભ્યો અને સમુદાયના નેતાઓએ હાજિરી આપી હતી. ધ ભવનના સભ્યોએ ગાંધીજીના પ્રિય ભજનો- રઘુપતિ રાઘવ રાજારામ... અને વૈષ્ણવ જન...ની પ્રસ્તુતિ આપી હતી. સમારોહનું સમાપન બૌદ્ધ સાધુ ભિખ્ખુ જી નાગાસે અને નિપ્પોંજન મિયોહોજીની શાંતિ પ્રાર્થના સાથે થયું.
આ પ્રસંગે લોર્ડ રેમી રેંજર, એમપી વીરેંદ્ર શર્મા, ધ ભવનના ડાયરેક્ટર એમ એન નંદકુમાર, ઇંડિયા ગ્લોબલ ફોરમના સ્થાપક પ્રો મનોજ લાડવા, NAPSના પ્રમુખ પ્રવીણભાઇ અમીન, ડે મેયર નઝમા રહમાન, રૂસી દલાલ સહિત અગ્રગણ્ય લોકો ખાસ ઉપસ્થિત હતા.
હાઈ કમિશનર દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે, “વૈષ્ણવ જન તો.. ભજનના મૂળમાં સંદેશો છે કે, જે માનવતામાં માને છે એ ભગવાનના માણસ કહેવાય. આ એક વૈશ્વિક સંદેશો છે જે બધા જ સમ્પ્રદાયોમાં છે. ગાંધીજીની મહાનતા હતી કે તેઓ જાણતા હતા કે દરેક મત, ધર્મ, સમ્પ્રદાયનો હેતુ એક જ લક્ષ્ય છે. આપણે બધા ગાંધીજીના મૂલ્યોને કદાચ પહોંચી ના શકિયે પણ માનવી અને માનવતાની સેવા કરીને આપણા અંદર એક ગાંધીની અનુભૂતિ કરી શકિયે.”
ઈન્ડિયા લીગના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, “આલ્બર્ટ આઈન્સ્ટાઈને મહાત્મા ગાંધી વિશે કહ્યું હતું કે આવનારી પેઢી એ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરશે કે વિશ્વમાં કોઈ સમયે હાડમાંસની આવી એક વ્યક્તિ પણ થઈ ગઈ હતી. બાપુની શિસ્ત, અહિંસા, ત્યાગની ભાવના બીજે ક્યાંય જોવા મળતી નથી. આ ગૌરવની વાત છે કે આપણી પાસે વારસામાં એક એવો માણસ છે જેના મૂલ્યો દેશો અને ધર્મોથી બહુ જ આગળ છે.