લંડનઃ ‘હાઉન્ડ ઓફ હંસલો’નું ઉપનામ ધરાવતા બ્રિટિશ ટ્રેડર નાવિન્દર સિંહ સરાઓએ તેના લંડનના ઘરમાં બેસી ૨૦૧૦માં આંગળીઓના ઈશારે વોલસ્ટ્રીટ સહિતના શેરબજારોને તોડી નાખી આશરે એક ટ્રિલિયન ડોલર (£૫૭૦ બિલિયન)નું ધોવાણ કર્યું હતું. માસ્ટરમાઈન્ડ સરાઓને યુએસમાં પ્રત્યાર્પણ કરવાનો કેસ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે તેને યુએસમાં ૨૨ આરોપ બદલ ૩૮૦ વર્ષની જેલની સજા થઈ શકે છે તેવી ચેતવણી કોર્ટમાં અપાઈ હતી. ૩૬ વર્ષીય નાવિન્દર સામે પાંચ વર્ષમાં ગેરકાયદે ટ્રેડિંગમાં નફાની £૨૬ મિલિયનની રકમ બનાવવાનો આરોપ છે. યુએસ અને યુકેની છ તપાસ એજન્સીઓ તેની સામે ન્યૂ યોર્કમાં ટ્રાયલ ચલાવવા માગે છે. નાવિન્દરે એફબીઆઈના આક્ષેપોને અકલ્પનીય ગણાવ્યા છે. સ્કોટલેન્ડ યાર્ડના એકસ્ટ્રાડિશન યુનિટે એફબીઆઈની વિનંતીથી ૨૦ એપ્રિલ, મંગળવારની રાત્રે સરાઓની ધરપકડ કરી બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. તેને પાંચ મિલિયન પાઉન્ડની જામીનગીરી સામે ૨૬ મે સુધી શરતી જામીન અપાયા હતા. તેના પિતા નછત્તરસિંહે આક્ષેપોને બનાવટી કહી તેનો સામનો કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સરાઓએ કેરેબિયનમાં ‘નાવ સરાઓ મિલ્કિંગ માર્કેટ્સ’ નામની ઓફશોર કંપની પણ સ્થાપી હોવાનું કહેવાય છે. બ્રુનેલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નાવિન્દરે મે ૨૦૧૦માં શેરબજારો તૂટી પડવા અને વિશ્વની મોટી કંપનીઓના શેરમાં £૫૭૦ બિલિયનના ધોવાણની ઘટનામાં પાંચ મિનિટમાં £૫૫૦,૦૦૦ બનાવી લીધાં હોવાનું કહેવાય છે. વોલ સ્ટ્રીટના ઈતિહાસમાં આ સૌથી મોટું એક દિવસીય ધોવાણ હતુ, જેણે ન્યૂ યોર્કના બજારમાં ભારે ગભરાટ જન્માવ્યો હતો.
સરાઓએ હંસલોમાં તેના ત્રણ બેડરૂમના ઘરમાં બેસી ચિકાગો મર્કેન્ટાઈલ એક્સચેન્જ (CME) પર બનાવટી ટ્રાન્ઝેક્શન બનાવવા માટે કોમ્પ્યુટર પ્રોગ્રામ્સનો ઉપયોગ કર્યો હતો. માતાપિતા સાથે રહેતો શરાઓ ફાટેલાં, મેલાંઘેલાં કપડા પહેરતો હતો. તેની પાસે માલિકીની કાર પણ ન હતી. તે કંજૂસની નામના ધરાવતો હતો. મિલિયોનેર બન્યા પછી પણ તે ટ્રેકસ્યુટ જ પહેરતો હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેણે વોકિંગમાં ફ્યુટેક્સ ખાતે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. વેપારી રસમો અને નાણાં બનાવવામાં તેની ચતુરાઈ લોકોનાં ધ્યાને આવી હતી. તેને નાણાં ખર્ચવામાં નહિ, પરંતુ બનાવવામાં જ રસ હતો. તે ફ્યુટેક્સનો સૌથી નફાકારક ટ્રેડર હતો. બપોરના બે વાગ્યાથી રાતના નવ સુધી યુએસ બજારો ખુલ્લાં હોય ત્યારે તે સ્ક્રીન પરથી નજર હટાવતો પણ ન હતો.
છઠ્ઠી મે,૨૦૧૦ના દિવસે યુએસ સ્ટોક માર્કેટનું નાટ્યાત્મક ધોવાણ થયું હતું અને વિશ્વની મોટી કંપનીઓના બિલિયન્સ ડોલર ધોવાયાં હતાં. પાંચ જ મિનિટમાં શેરોની કિંમત છ ટકા ગગડી હતી. તે દિવસે ૧૦૦૦ પોઈન્ટ્સનું નુકસાન થયું હતું. આના અડધો કલાક પછી માર્કેટ ઉંચકાયું અને ૬૦૦ પોઈન્ટનો મોટો ઉછાળ આવ્યો હતો. આ જ રીતે યુકે સહિત યુરોપના બજારો પણ તૂટ્યાં હતાં.
યુએસ સત્તાવાળાને આ કડાકાનું કારણ સમજાયું નથી. તેની સામે આરોપ છે કે તેણે બજારને છેતરવા ૧૯,૦૦૦ ઓર્ડર મૂક્યાં હતાં અને માત્ર એક સેકન્ડમાં તેને રદ કરવા ઓટોમેટેડ ટ્રેડિંગ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. કેટલાંક ટ્રેડર્સ માને છે કે યુએસ દ્વારા નાવિન્દરને બલિનો બકરો બનાવાયો છે. નિષ્ણાતો પણ કહે છે કે એક જ વ્યક્તિ બજારો તૂટવા માટે જવાબદાર હોવાનું માની શકાય નહિ, તેનો કદાચ ફાળો હોઈ શકે છે.
યુએસમાં તેની સામે ૨૨ આરોપ લગાવાયા છે, જે દરેક માટે પાંચથી ૨૫ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. યુએસમાં પ્રત્યાર્પણ માટે તે સંમત હોવાનું નકાર્યા પછી આ વર્ષના ઉત્તરાર્ધમાં પ્રત્યાર્પણ સુનાવણી હાથ ધરાશે. યુએસ સરકારે જામીન આપવા સામે વિરોધ કર્યો હતો. જજે તેને £૫,૦૫૦,૦૦૦ની જામીનગીરી સામે શરતી જામીન મંજૂર કર્યા હતા. £૩૦,૦૦૦ની રકમ સરાઓના પિતા તેમજ £૨૦,૦૦૦ની રકમ તેના બે ભાઈએ ઓફર કરી છે. બાકીના £૫,૦૦૦,૦૦૦ સરાઓના એક ટ્રેડિંગ એકાઉન્ટમાંથી આવ્યાનું કહેવાય છે. જોકે, કોર્ટ સમક્ષ કહેવાયું હતું કે £૪.૭,૦૦૦,૦૦૦ લોન સ્વરૂપે છે. લંડનના પરાંમાં માતાપિતા સાથે રહેતી વ્યક્તિ પાંચ મિલિયન પાઉન્ડ ઉભાં કરી શકી તે સત્તાવાળા માટે રસનો વિષય બનશે. તેની પાસે આટલી સંપત્તિ હોવાનું જરા પણ જણાયું નથી તેમ પડોશીઓ કહે છે.