લંડનઃ ગયા વર્ષે એપ્રિલમાં અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં હેલિકોપ્ટર અકસ્માતમાં RAFના ચાર લશ્કરી સાથી સહિત શહીદીને વરેલા ૨૯ વર્ષીય ફ્લાઈટ લેફ્ટનન્ટ રાકેશ ચૌહાણની યાદમાં સ્થપાયેલા ચેરિટી ટ્રસ્ટ દ્વારા નાણા એકત્ર કરવા ૨૬ સપ્ટેમ્બરે પ્રથમ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
રાક તરીકે જાણીતા ફ્લાઈટ લેફ્ટનન્ટ ચૌહાણને ગત નવેમ્બરમાં મરણોત્તર શૌર્ય એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પ્રતિષ્ઠિત એશિયન એચિવર્સ એવોર્ડ્સ ૨૦૧૪માં એડિટર્સ એવોર્ડ ફોર બ્રેવરી એન્ડ પેટ્રિયોટિઝમ તેમના પિતા કિશોર ચૌહાણે સ્વીકાર્યો હતો. આ વર્ષના આરંભે સેન્ટ પોલ’સ કેથેડ્રલ ખાતે સર્વિસમાં ચૌહાણ પરિવાર સન્માનીય મહેમાનો તરીકે હાજર હતા, જ્યાં ક્વીન અને પ્રાઈમ મિનિસ્ટર કેમરન પણ ઉપસ્થિત હતા.
આ સપ્તાહના ઉત્તરાર્ધમાં ચૌહાણના પિતા કિશોર અને ભાઈ કેશ ૨૫ માઈલ ચાલવાની યોર્કશાયર થ્રી પીક્સ ચેલેન્જમાં ભાગ લેવાના છે. તેઓ ટ્રસ્ટ માટે £૧૦,૦૦૦ એકત્ર કરવા આશાવાદી છે, જે ઈસ્ટ મિડલેન્ડ્સ એર એમ્બ્યુલન્સ સર્વિસને દાનમાં અપાશે. ચેલેન્જમાં પૂર્વ RAF કોમરેડ્સ સહિત ૬૦ લોકો જોડાશે.
કેશે જણાવ્યું હતું કે, ‘એર એમ્બ્યુલન્સ સર્વિસ સંસ્થા રાકેશના દિલની નિકટ હતી. આથી અમે તેને સંપૂર્ણ સપોર્ટ કરીએ છીએ. આ સંસ્થાની ડર્બીશાયર, રુટલેન્ડ અને લેસ્ટરશાયર શાખાને દાનમાં આપવા જેટલું ભંડોળ એકત્ર કરવાની અમને આશા છે. સ્થાનિક રોયલ એર ફોર્સીસ એસોસિયેશન ટ્રસ્ટને ૧૦૦ ટી-શર્ટ્સ’ દાનમાં આપનાર છે, જેના પર અમે ટ્રસ્ટનો લોગો પ્રિન્ટ કરાવીશું.’
આ ઈવેન્ટમાં દાન આપવા https://www.justgiving.com/Y3PCRakstrust અથવા www.rakstrust.org વેબસાઈટોની મુલાકાત લેશો.