લંડનઃ એક તરફ વડા પ્રધાન ડેવિડ કેમરન બ્રિટિશ મુસ્લિમ સમુદાયને ઉગ્રવાદના સામનામાં મદદ કરવાની અપીલ કરી રહ્યા છે ત્યારે ગત સપ્તાહે ઈસ્ટ લંડનના શાડવેલમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની શંકાથી દુકાન પર દરોડા પાડવા ગયેલા અધિકારીઓને નિશાન બનાવાયા હતા. મુસ્લિમ ગેંગના સભ્યોએ અધિકારીઓ પર ઈંડા ફેંક્યા હતા અને તેમના વાહનોના ટાયર્સ ચીરી નાખ્યા હતા. સેન્સસ ૨૦૧૧ અનુસાર શાડવેલમાં અડધાથી વધુ વસ્તી મુસ્લિમ છે.
ઈસ્ટ લંડનમાં ગત બુધવારની આ ઘટનામાં ‘ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ’ લખેલી ત્રણ વાન અને એક કાર પર હુમલો કરાયો હતો. એક ડઝનથી વધુ અધિકારીઓ દુકાનમાંથી ત્રણ શંકાસ્પદ બાંગલાદેશી ઈમિગ્રન્ટ્સને ઝડપી લેવા શાડવેલ આવી પહોંચ્યા હતા. તેઓ અન્ય શેરીમાં રખાયેલા વાહનો માટે પરત આવ્યા ત્યારે વાનના ટાયર્સ ચીરાયેલાં હતાં અને પેઈન્ટવર્કને પણ નુકસાન પહોંચાડાયું હતું. પાલીસની મદદ આવે તે પહેલા ઊંચા મકાનો પરથી તેમના પર ઈંડાનો મારો ચલાવાયો હતો.
એક સાક્ષીએ જણાવ્યું હતું કે પાંચ-છ યુવાનો ઈમિગ્રેશન વાન્સ તરફ દોડી ગયા હતા. તેમના હાથમાં રસોઈની છરીઓ હતી. તેમણે ટાયર્સને ચીરી વાન પર કાપા કર્યા હતા. તેઓ ઝડપથી પાછા દોડી ગયા હતા. તેઓ સ્થાનિક મુસ્લિમ યુવાનો જ હતા. સ્થાનિક ગેરેજ દ્વારા વાહનોના સમારકામનો પણ ઈનકાર કરાયો હોવાનું કહેવાય છે. શાડવેલના કોમ્યુનિટી નેતાઓએ આ ઘટનાને વખોડી કાઢી હતી. જોકે, સોશિયલ નેટવર્ક્સ પર પોલીસ સામે રોષ વ્યક્ત કરાયો હતો.