બર્મિંગહામની સરકારી શાળાઓમાં ખાસ પગલાં અમલી બનાવાયાના છ મહિના પછી પણ સ્થિતિ નહિ બદલાતાં ઈન્સ્પેક્ટરો ફરી શાળાઓની મુલાકાત લેવાના છે. સરકારની કાઉન્ટર-રેડિકાલાઈઝેશન સ્કીમ ચેનલને રીફર કરાયેલા લગભગ ૪,૦૦૦ કેસમાં અડધા જેટલા તો ૧૮ વર્ષથી નીચેની વયના છે. ઈસ્લામિક સ્ટેટ માટે ભંડોળ એકત્ર કરવા ઈચ્છતી ૧૬ વર્ષની વિદ્યાર્થિની સહિત કેટલાંક વિદ્યાર્થીઓમાં સીરિયાયુદ્ધમાં જવાની ઈચ્છા દર્શાવતી નિશાની જણાયાં પછી તેમને આ કાર્યક્રમના ભાગરૂપ સંસ્થાને રીફર કરાયા હતા.
ધ સન્ડે ટાઈમ્સના અહેવાલ અનુસાર નવા ત્રાસવાદી અત્યાચારની ધમકીનો સામનો કરવા સ્કોટલેન્ડ યાર્ડની યોજના હેઠળ વધુ ૮૦૦ જેટલા કાઉન્ટરટેરરિઝમ પોલીસ શેરીઓમાં ગોઠવાશે. ત્રાસવાદીઓનું નિશાન બનતા અટકાવવા પોલીસ અધિકારીઓને મતદાર રજિસ્ટરમાંથી પોતાના નામ દૂર કરવા અને તેમનો યુનિફોર્મ પહેરવાનું ટાળવા જણાવાયું છે.
ઈસ્ટ લંડનમા ટાવર હેમ્લેટ્સની કેટલીક શાળામાં યેમેનસ્થિત કટ્ટરવાદી ઈસ્લામિક ઉપદેશક અનવર અલ- અવાલાકીના ઉપદેશો બાળકો સાંભળે છે. અવાલાકીએ શાર્લી હેબ્દોના ત્રાસવાદીઓને હત્યાની પ્રેરણા આપી હોવાનું મનાય છે. એક શાળાનું ઓનલાઈન પેજ અવાલાકીના ઉપદેશો સાથે લિન્ક ધરાવતું હોવાનું પણ જણાયું છે. ટાવર હેમ્લેટ્સની છ ખાનગી મુસ્લિમ શાળાના વિદ્યાર્થીઓ ત્રાસવાદી અને કટ્ટરવાદીતાના ઉપદેશો સામે અસુરક્ષિત હોવાની ચેતવણી ઈન્સ્પેકટરોએ આપી છે.