શાસ્ત્રીજી મહારાજના જીવન અને કવનને ઊંડી સમજ સાથે ઉજાગર કરતા નાટ્ય કાર્યક્રમની સાથોસાથ ભાવનાસભર વિડીઓ રજૂઆતો, બાળકો અને યુવાનો દ્વારા ભક્તિગીતોના ગાન, સાધુઓ દ્વારા મનનીય પ્રવચનો પણ કરાયા હતા. સંસ્થાના આધ્યાત્મિક વડા અને સંત પ્રમુખ સ્વામી મહારાજના તેમના ગુરુ સાથેના ચિત્રો સહિત વિડિયો આશીર્વાદ જોવા મળ્યા હતા. સાંજે રંગીન સરઘસ અને નૃત્યો સાથે ભવ્ય ઉજવણીનું સમાપન થયું હતું.
શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રસાર માટે BAPS સ્વામીનારાયણ સંસ્થાની સ્થાપના ૧૯૦૭માં કરી હતી. ગુજરાતના વડોદરામાં પણ આ મહોત્સવની ભવ્ય ઉજવણી ૨૪ જાન્યુઆરીએ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી, વરિષ્ઠ સાધુઓ અને આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે ૧૫૦,૦૦૦થી વધુ સ્વયંસેવકો અને ભક્તોએ સ્વચ્છ ભારત અભિયાનમાં પ્રદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી આગામી એક વર્ષમાં ૩,૮૦૦ શહેર, નગર અને ગામોમાં ૯,૩૦૦ જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવશે. ૧૬,૦૦૦ સ્વયંસેવકો ગરીબ વિસ્તારોમાં જાગૃતિ માટે ઘરઘરની મુલાકાત લેશે. ૫૦૦ શાળાઓમાં સ્વચ્છતા જાગરુકતા શિબિરો યોજવા ઉપરાંત, સ્વચ્છતાના સંદેશા સાથે ૨૦૦ રેલીઓ યોજાશે.