લંડનઃ યુકેના ઘરબારવિહોણાં લોકોને મદદરૂપ થવા શીખ સમાજ દ્વારા મોબાઈલ લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. શીખોમાં લંગરની પરંપરા સદીઓ પુરાણી છે. એક પ્રકારના રસોઈઘરમાં સ્વયંસેવકો દ્વારા તૈયાર કરાતો શાકાહારી ખોરાક જરૂરિયાતમંદોને દરરોજ મફત પૂરો પડાય છે. યુકેના શીખ ટેમ્પલ્સમાં હજારો લોકો લંગર સેવાનો લાભ લે છે. ભારતની બહાર સૌથી મોટું ગણાતું સાઉથોલનું ધ ગુરુ ગોવિંદસિંહ ગુરુદ્વારા દરરોજ ૫,૦૦૦ અને દર વીકએન્ડમાં ૧૦,૦૦૦ ભોજન પુરું પાડે છે.
જોકે, હવે શીખ સમુદાય લંગરને નવી ઊંચાઈએ લઈ ગયો છે. દર રવિવારે સાંજે શીખ વેલ્ફેર એન્ડ અવેરનેસ ટીમ (Swat)ની વાન સેન્ટ્રલ લંડનના સ્ટ્રાન્ડ ખાતે પાર્ક કરાય છે અને ૨૫૦ લોકોને ગરમ સૂપ, ડ્રિન્ક્સ, ચોકલેટ બાર અને અન્ય વસ્તુનું વિતરણ કરે છે. શીખ સમાજના
સ્વયંસેવકો અનેક ચીજવસ્તુઓ અહીં આપી જાય છે. સ્વાત ટીમના સ્થાપક રણદીપસિંહે જણાવ્યું હતું કે લંડનમાં ઘરબારવિહોણાની વધતી સમસ્યા જોઈ તેમણે લંગરની પરંપરા મંદિરની બહાર લઈ જવાનો નિર્ણય કર્યો હતો. મોટા ભાગે શીખ ન હોય તેવા લોકો અહીં પોતાના વારાની રાહ જોતા લાઈનમાં ઉભા રહે છે.
બ્રિટનમાં રઝળી પડેલાં સાઉથ એશિયન વિદ્યાર્થીઓ પણ શીખ ગુરુદ્વારામાં નિઃશુલ્ક ભોજનનો લાભ લેવા આવે છે. શીખોને આનો કોઈ વાંધો નથી. સાઉથોલ ટેમ્પલ મેનેજમેન્ટના વરિષ્ઠ સભ્ય સુરિન્દરસિંહ પૂરેવાલ કહે છે કે,‘અમને કોઈ વાંધો નથી. લોકો માન દર્શાવે, કેફ કર્યો ન હોય અને અમારી પરંપરા અનુસાર માથું ઢાંકતા હોય ત્યારે બધાં જ આવકાર્ય છે.’