એજવેર ખાતે આવેલા શીશુકુંજ ભવનના નવનિર્મીત હોલના શુભારંભ પ્રસંગે શનિવારની વરસાદી સાંજે અનુરાધા પાલે તેના સ્ત્રી શક્તિ બેન્ડના સથવારે પ્રેરણાદાયી શાસ્ત્રીય અને સમકાલીન સંગીત પીરસ્યુ હતું. અનુરાધાની સાથે હિન્દુસ્તાની શાસ્ત્રીય કલાકાર શરવાની વૈદ્ય, ક્રિષ્ણપ્રિય રંભા (ખંજરી વાદક) અને કિબોર્ડ પર તુષાર રતુરી પણ જોડાયા હતા.
અનુરાધા અને તેના સહયોગીએ મચાવેલી સંગીતની ધૂનોએ શ્રોતાઅોને રોમાંચિત કરી દીધા હતા. તેમણે જ્યારે ભારતમાં પ્રચલિત વિવિધ વાદ્ય સંગીતની રચનાઅો પ્રસ્તુત કરી ત્યારે સૌ અચંબિત થઇ ગયા હતા જે કાર્યક્રમનું સૌથી મહત્વનું પાસુ બની રહ્યું હતું. શરવાનીએ કાર્યક્રમમાં કેટલાક ગુજરાતી લોકગીતો પ્રસ્તુત કરતા સૌ આનંદથી ઝુમી ઉઠ્યા હતા અને છેલ્લે વંદે માતરમ્ દ્વારા કાર્યક્રમની સમાપ્તિ થઇ હતી.
અનુરાધાએ કાર્યક્રમ પછી જણાવ્યું હતું કે 'શીશુંકુંજ ખાતે કાર્યક્રમ રજૂ કરતાં મને ખૂબજ મઝા આવી હતી અને અને તેમાં પણ શ્રોતાઅો સાથે તાદમ્ય સધાયું ત્યારે અનોખું વાતાવરણ સર્જાયું હતું.
શીશુકુંજના સંચાલક શ્રી જગદીપ શાહે જણાવ્યું હતું કે 'શીશુકુંજ ભવનમાં અમે જે વિપુલ રોકાણ કર્યું છે તેની સાબીતી આ કાર્યક્રમ છે. મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વના મહાન કલાકારો સામે અમારા યુવાન બાળકો બેસી શકે છે અને આ તક બીજે ક્યાંય મળી શકે તેમ નથી.
અનુરાધા પાલ વિખ્યાત તબલા વાદકો ઉસ્તાદ અલ્લા રખા અને ઉસ્તાદ ઝાકીર હુસૈનની શિષ્ય છે અને તેનું નામ સૌ પ્રથમ મહિલા પ્રોફેશનલ તબલા પ્લેયર તરીકે એન્સાયક્લોપીડીયા બ્રિટાનિકામાં નોંધાયેલું છે. વધુ માહિતી માટે જુઅો www.shishukunj.org.uk