લંડનઃ શેફિલ્ડમાં ઉબેર ટેક્સીના મેનેજમેન્ટ સંબંધિત પૂછપરછનો ઉત્તર ન આપવા બદલ કાઉન્સિલે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. તેનું લાયસન્સ ૧૮ ડિસેમ્બર સુધી અથવા અપીલની સુનાવણી હાથ ધરાય ત્યાં સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના અગાઉ લંડનમાં પણ ઉબેરના ડ્રાઈવર્સ સામે જાતીય કનડગતનાં દાવાઓના કારણે લાયસન્સ પર પ્રતિબંધ લગાવાયો છે.
શેફિલ્ડ સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઉબેરનું લાયસન્સ ૨૯ નવેમ્બરે સસ્પેન્ડ કરાયું હતું. અમારી પાસે ઉબેર બ્રિટાનિયા લિમિટેડ દ્વારા શેફિલ્ડમાં ટેક્સી ચલાવવાના લાયસન્સ માટે ૧૮ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ નવી અરજી આવી છે, જેના પર કામગીરી ચાલી રહી છે. ઓપરેટરનું લાયસન્સ ટ્રાન્સફર કરવાની કોઈ જોગવાઈ કાયદામાં નથી. ઉબેર દ્વારા કાઉન્સિલને જણાવાયું હતું કે લાયસન્સધારક વ્યક્તિએ કંપની છોડી હોવાથી લાયસન્સ પર તેનું નામ બદલવું પડશે.