સેન્ટ્રલ લંડનની શેરીઅોમાં સુઇ રહેતા રોમાનીયન વસાહતીઅોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. ગ્રેટર લંડન અોથોરિટીના ચેઇન ડેટાબેઝ દ્વારા કરવામાં આવેલી ગણતરી દરમિયાન જૂનથી સપ્ટેમ્બર ૨૦૧૪ દરમિયાન સેન્ટ્રલ લંડનની શેરીઅોમાં સુઇ રહેતા ૪૯૦ રોમાનીયન મળી આવ્યા હતા. શેરીઅોમાં સુઇ રહેતા આ રોમાનીયન ગૃપમાં ૪૦ રોમાનીયનના એ જુથનો પણ સમાવેશ થાય છે જેમણે વિખ્યાત માર્બલ આર્ચ વિસ્તારમાં ધામો નાંખ્યો હતો અને ભારે હોબાળો મચ્યો હતો.
બ્રેન્ટ બરો વિસ્તારમાંથી પણ ૭૦ રોમાનીયન સુતેલા મળી આવ્યા હતા. જે બ્રેન્ટ વિસ્તારમાં જાહેરમાં સુઇ રહેતા લોકોના ૪૭% જેટલા છે. લંડન બહાર પડ્યા રહેતા રોમાનીયનની સંખ્યામાં ૬ ગણો વધારો થયો છે. ગત વર્ષે બ્રિટનમાં કુલ ૪૭,૦૦૦ રોમાનીયન આવ્યા હતા. જ્યારે ૨૦૧૩માં ૪૫,૦૦૦ આવ્યા હતા. ગત વર્ષે અોક્ટોબર માસમાં પાર્ક લેનના અંડરપાસમાં લેવાયેલી આ તસવીર ઘણું કહી જાય છે.