લંડનઃ ઓઈલથી પ્રદૂષિત નાઈજીરીયન્સ યુકેની કોર્ટમાં શેલ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે. યુકેની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચૂકાદો આપ્યો હતો કે બીલે કોમ્યુનિટી અને ઓગોનીલેન્ડના ઓગલે લોકોએ રોયલ ડચ સામે કરેલા કેસો દલીલોને પાત્ર છે. કોર્ટ ઓફ અપીલના ચૂકાદાને ફગાવી દેનારા આ નિર્ણયને કોમ્યુનિટીઝ પાંચ વર્ષની લડતનો વિજય ગણાવે છે.
રોયલ ડચ દ્વારા જણાવાયું હતું કે તે આ ચૂકાદાથી નિરાશ છે અને તેના દ્વારા જે પ્રદૂષણ થયું છે તેનો તે ઈનકાર કરતી નથી. કંપનીએ જણાવ્યું કે તેની નાઈજીરીયન સબસિડિયરી માટે તેને કાયદાકીય રીતે જવાબદાર ન ઠેરવી શકાય. નાઈજર ડેલ્ટામાં થતાં ઓઈલ ઉત્પાદનમાં શેલનો લગભગ ૫૦ ટકા ફાળો છે. તે વિસ્તારના ૪૦,૦૦૦થી વધુ લોકોએ જણાવ્યું કે દાયકાઓથી થતાં પ્રદૂષણની તેમના જીવન, આરોગ્ય અને સ્થાનિક પર્યાવરણને ગંભીર અસર થઈ છે.