લંડનઃ ભારત સહિત બિન ઈયુ દેશોમાંથી કુશળ પ્રોફેશનલ્સની હેરફેર પર મર્યાદાના મુદ્દે ધ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)એ ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં જ વડા પ્રધાન ડેવિડ કેમરને આ પ્રકારની જાહેરાત કરી છે. ગ્રાન્ટ થોર્નટન અને CIIના સંયુક્ત અભ્યાસમાં યુકેમાં રોકાણ અને નોકરી સર્જનમાં ભારતીય કંપનીઓના વધતા પ્રદાનની નોંધ લેવાઈ છે ત્યારે આ મુદ્દો ચિંતાજનક બન્યો છે. આ રિપોર્ટ જણાવે છે કે યુકેસ્થિત મોટી ભારતીય કંપનીઓનું સંયુક્ત ટર્નઓવર £૨૨ બિલિયન છે અને તેમણે ૧૧,૦૦૦ વધુ લોકોને નોકરી આપી છે.
આ મુદ્દે ટીપ્પણી કરતા CIIના પ્રમુખ સુમિત મઝૂમદારે કહ્યું હતું કે ‘યુકેમાં ૮૦૦થી વધુ ભારતીય કંપનીઓ કાર્યરત છે, જે દેશના અર્થતંત્ર અને નવી પહેલોમાં ફાળો આપે છે, ટેક્સ ચુકવે છે તેમજ સ્થાનિક ઉભરતી પ્રતિભાઓને નોકરી આપે છે. ઘણી કંપનીઓ આગવા તાલીમ કાર્યક્રમો ઓફર કરે છે, પરંતુ કંપનીની કામગીરીમાં ઉચ્ચ કૌશલ્યના કાર્ય અને નિષ્ણાત જ્ઞાનની વાત આવે ત્યારે ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર (ICT)નો માર્ગ આવશ્યક બની જાય છે. ઘણી કંપનીઓ ICT વિઝાનો માર્ગ અખત્યાર કરે છે અને તેમની કામગીરીમાં ભારે અવરોધ ઉભો થઈ શકે છે. અમે યુકેમાં ઈમિગ્રેશન અને કૌશલ્યની અછતના પ્રશ્નો સમજીએ છીએ. ભારત અને યુકેને સાથે મળી કૌશલ્ય ક્ષમતા મજબૂત બનાવવા તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મક વર્કફોર્સ વિકસાવવા તક મળી છે. આ પ્રક્રિયાની ચાવીરુપ ભાગીદારીમાં આતુર યુકેસ્થિત ભારતીય કંપનીઓને ઓછી આંકી શકાય નહિ.’
માઈગ્રેશન એડવાઈઝરી કમિટી (MAC)ને નવી સ્કીલ્સ લેવી, માઈગ્રન્ટ વર્કર્સ માટે વેતનની મર્યાદા ઉંચે લઈ જવી અને કૌશલ્યની અછતના માપદંડમાં સુધારા વિશે નવી યુકે સરકારને સલાહ આપવાની કામગીરી સોંપાઈ છે. યુકેમાં કાર્યરત કંપનીઓ સાથે MACની બિઝનેસ ચર્ચા યોજવા CIIદ્વારા પ્રસ્તાવ રખાયો છે.
યુકેમાં CIIના ઈન્ડિયા બિઝનેસ ફોરમના ચેરમેન પ્રશાંત જવાહરે જણાવ્યું હતું કે,‘આનાથી ભારત-યુકે સંબંધોમાં સાચા હિસ્સેદાર- ભારતીય અને બ્રિટિશ કંપનીઓને કેવી તીવ્ર અસર થશે તેની સમજ બ્રિટિશ સરકાર મેળવે તે જરુરી છે. યુકેસ્થિત ભારતીય કંપનીઓ કેવી રીતે આર્થિક વૃદ્ધિ અને ઈનોવેશનને ઉત્તેજન આપવા શ્રેષ્ઠ પ્રતિભાઓ લાવે છે અને સ્થાનિકો માટે વધુ નોકરીઓનું સર્જન કરે છે તે દર્શાવવા અમે આતુર છીએ. આ મુદ્દે તેમનું ધ્યાન દોરવા બિઝનેસ મીટિંગ યોજવા અમે યુકે સરકારનો સંપર્ક કરીશું.’
CIIના સીઈઓ ડેલિગેશનની વાર્ષિક યુકે મુલાકાત અગાઉ જ આ સમાચાર આવ્યા છે અને બિઝનેસ કોમ્યુનિટીમાં નોંધપાત્ર ચિંતા પ્રવર્તી રહી છે.