લંડનઃ શ્રી કડવા પાટીદાર સમાજ યુકેના સીનિયર સિટિઝન્સ મંડળે રવિવાર ત્રીજી જુલાઈ, ૨૦૧૬ના રોજ સંસ્થાની ૨૦મી વર્ષગાંઠ ઉજવી હતી. આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ સભ્ય ઉપસ્થિત હતા. સમારંભમાં મુખ્ય મહેમાન નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના સાંસદ અને જસ્ટિસ અને પેન્શન્સ મિનિસ્ટર શૈલેષ વારા હતા તેમજ હેરોના મેયર કાઉન્સિલર રેખાબહેન શાહ, લંડન એસેમ્બલી મેમ્બર નવીનભાઈ શાહ, સંગત સેન્ટરના સ્થાપક સભ્ય કાન્તિભાઈ નાગડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતાં.
સીનિયર સિટિઝન્સ મંડળે શ્રી કડવા પાટીદાર સમાજ યુકેના ૮૫ અને તેથી વધુ વયના સભ્યોનું કોમ્યુનિટી અને દેશને આપેલા ફાળાની કદર કરવા બદલ સન્માન કર્યું હતું. શૈલેષ વારાએ સંબોધનમાં જણાવ્યું હતું કે ૧૯૭૦ના દાયકામાં ઈસ્ટ આફ્રિકાથી આવેલા આ નાગરિકોએ સખત મહેનત કરી તેમના પરિવારને સ્થાયી બનાવ્યા છે, સંતાનોને ભણાવ્યા અને સપોર્ટ કર્યો છે. સંતાનોની સફળતાનો યશ તેમની સખત મહેનત અને કટિબદ્ધતાને જાય છે. પેરન્ટ્સના કારણે જ તેઓ બ્રિટિશ સરકારમાં મિનિસ્ટર બની શક્યા છે.
કાન્તિભાઈ નાગડાએ કહ્યું હતું કે સીનિયર સિટિઝન્સ મંડળના કાર્યથી તેઓ પ્રભાવિત છે. ખરેખર તો આ સ્થાનિક કાઉન્સિલની જવાબદારી છે, પરંતુ સરકારના કરકસરના પગલાંના લીધે તેમણે ખર્ચામાં કાપ મૂકવો પડ્યો છે અને આવી મહત્ત્વની સેવાઓ આપી શકવા અસમર્થ છે.
સીનિયર સિટિઝન્સ દ્વારા હેરોના મેયરની સ્પેશિયલ અપીલમાં ૧,૦૦૧ પાઉન્ડનું દાન કરાયું હતું. મેયર કાઉન્સિલર રેખાબહેન શાહે સીનિયર સિટિઝન્સનો આભાર માનતાં કહ્યું હતું કે આ દાનનો ઉપયોગ તેમની નિયુક્ત ચેરિટીઝ પાર્કિન્સન‘સ યુકે હેરો બ્રાન્ચ અને હેરો બીરવમેન્ટ કેર માટે કરાશે. તેમણે હેરોઝ હીરોઝ એવોર્ડ્સ માટે વ્યક્તિઓને નોમિનેટ કરવા સભ્યોને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સીનિયર સિટિઝન્સ મંડળના પ્રમુખ બાબુભાઇ માકડીયા, શ્રી કડવા પાટીદાર સમાજના પ્રમુખ મનોજભાઇ આરદેશણાએ સ્વાગત પ્રવચનો કર્યા હતા. તમામે લંચ અને મનોરંજન કાર્યક્રમો માણ્યા હતા.