શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનને ગત તા. ૫ જુલાઇના રોજ બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે મળેલી બ્રેન્ટ કાઉન્સિલની પ્લાનીંગ કમીટીની બેઠકમાં બે માળના કાર પાર્કિંગ, કેરહોમ, ૬ સેલ્ફ કન્ટેઇન્ડ ફ્લેટ તેમજ અન્ય આયોજનો માટે બહુમતીથી મંજુરી આપવામાં આવી હતી. આ મંજુરીને પગલે આપણા ધર્મ, સંસ્કૃતિ અને રહેણી કરણી મુજબનું વડિલો માટેનું કેરહોમ તૈયાર કરાશે અને વાર તહેવારે કાર પાર્કિંગ માટે પડતી તકલીફનો અંત આવશે. આ અરજીની સુનાવણી વખતે સમર્થન આપવા બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે મોટી સંખ્યામાં સ્વયંસેવકો, સમાજના અગ્રણીઅો અને હિન્દુઅો ઉપસ્થિત રહ્યા હતા.
પ્લાનીંગની અરજીની સુનાવણી વખતે બધા પાસાઅોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને મંદિરના અગ્રણીઅો અને થોડાક સ્થાનિક રહીશો વચ્ચે સામાન્ય તનાવ થયો હતો પરંતુ કાઉન્સિલે મંદિરની અરજી મંજુર કરવાનો નિર્ણય લેતા સૌએ તેને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધો હતો. આ આયોજન ૨૦૧૯માં સંપન્ન થઇ જશે.
મંદિરના કમીટી મેમ્બર અને ટ્સ્ટી શ્રી કાનજીભાઇ જેસાણીએ આ ઉપલબ્ધી અંગે માહિતી આપતાં 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'મંદિરના કાર પાર્ક, તમામ સગવડ ધરાવતા વડિલો માટેના કેર હોમ અને અન્ય મહત્વના આયોજનો માટે અમે કાઉન્સિલના તમામ પ્રકારના નિયમો અને ધારાધોરણોને અનુસરતી અરજી કરી હતી. અમે એ વાતની તકેદારી રાખી હતી કે મંદિર દ્વારા થઇ રહેલા આ નવા ડેવલપમેન્ટને કારણે સ્થાનિક રહીશોને કોઇ તકલીફ કે મુશ્કેલી પડે નહિં. આ નવા ડેવલપમેન્ટનો ઇરાદો રોડ પર પાર્ક થતી કારને દૂર કરી મંદરિના પ્રાંગણમાં આવેલા કાર પાર્કમાં સમાવવાનો હતો. જેથી લોકોની મુશ્કેલીઅો દૂર થાય. મંદિરના આ અભિગમને સફળતા મળી છે જેનો અમને ખૂબ જ આનંદ છે.
મંદિરના દર્શને આવતા બ્રોન્ડ્ઝબરીના કાનજીભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે 'આ ખૂબ જ આનંદના સમાચાર છે અને નવા સુધારાના કારણે મંદિરે દર્શન કરવા આવતા લોકોની સગવડ સચવાશે. થોડાક સ્થાનિક રહીશોને અમુક તકલીફો હતી પરંતુ હું પણ આ વિસ્તારમાં રહુ છું. આ મંદિરનો લાભ બ્રોન્ડઝબરી, વિલ્સડન, ક્વીન્સ પાર્ક, કેન્સલ ગ્રીન, ડોલિસ હિલ અને નીસડન વિસ્તારના રહીશો અને અહિંથી સ્થળાંતરીત થઇને કિંગ્સબરી અને એજવેર રહેવા ગયેલા વિશાળ હિન્દુ સમુદાયના લોકોને મળે છે.'
લીડ મેમ્બર ફોર કોમ્યુનિટી વેલબીઇંગ અને ડડનહિલના કાઉન્સિલર કૃપેશભાઇ હિરાણીએ જણાવ્યું હતંુ કે 'કેર હોમનું નિર્માણ થઇ રહ્યું છે તેમાં મને વિશેષ રસ છે. ખરેખર બરોને આની જરૂર છે. કારણ કે આપણા એથનીક સમુદાયમાં વડિલોની વસતી વધી રહી છે.
મંદિર દ્વારા થઇ રહેલ નવા આયોજનની માહિતી
* મંદિર પાસેના ડીયરહર્સ્ટ રોડના ૧, ૩ અને ૫ નંબરના પ્લોટ પર બે માળના બેઝમેન્ટ પાર્કિંગની રચના કરાશે જેમાં ૧૪૦ કાર પાર્ક થઇ શકશે.
* લીવીંગ રૂમ, રસોડું, ડાઇનીંગ રૂમ સહિતની સંપૂર્ણ સગવડ ધરાવતા કેર હોમમાં ૧૪ રૂમ વડિલો માટે બનાવાશે અને તેમને શુધ્ધ સાત્વિક શાકાહારી ભોજન મળશે. જેમાં કોઇ પણ જ્ઞાતિના હિન્દુ ધર્મના વ્યક્તિને રહેવા મળશે.
* મંદિર પાસેના છ સેલ્ફ કન્ટેઇન્ડ ફ્લેટમાં સિંગલ પેરેન્ટ્સ, ઘરવિહોણા પરિવાર તેમજ અન્ય જરૂરિયાત ધરાવતા પરિવારને રહેવા સગવડ અપાશે.
* મંદિરના હાલના કાર પાર્કના ગેટ ઉપર પહેલા માળે લગ્નના હોલની સાથે અડીને અન્ય એક ડાઇનીંગ રૂમ બનાવવામાં આવશે જેનો ઉપયોગ લગ્ન પ્રસંગે વગેરે માટે સીટીંગ ડીનર માટે કરી શકાશે.
* ગુજરાતી, સંસ્કૃત અને ઇંગ્લીશ શિખવા આવતા વિદ્યાર્થીઅો માટે વધારાના વર્ગોનું નિર્માણ કરાશે.
* IT રૂમ, રસોડું, લાયબ્રેરી, કમીટી રૂમ અને સંતોના ઉતારાની નવી સુવિધા ઉભી કરાશે.
આ પ્લાનીંગ કમીટીની મીટીંગ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મંદિરના આયોજનોને ભરપૂર સર્મથન આપવા 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' દ્વારા કરાયેલી અપીલ બદલ મંદિરના ટ્રસ્ટીઅો, પ્રમુખ શ્રી મનજીભાઇ તેમજ ટ્સ્ટી શ્રી કાનજીભાઇ જેસાણીએ બન્ને સાપ્તાહિકોનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.