ધ હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન નેટવર્ક (HETN) દ્વારા જજ જેનેટ ટ્રાવર્સો પર ન્યાયિક પક્ષપાત અને ગેરવર્તણૂકનો આક્ષેપ મૂકાયો છે. HETN ના ચેરમેન લકી થેકીશોએ જણાવ્યું છે કે, ‘ન્યાયિક આચારસંહિતાના આર્ટિકલ પાંચમાં જજ માત્ર તેમની સત્તાવાર ફરજમાં સંપૂર્ણ ગૌરવ સાથે કામ કરે એટલું જ નહિ, ન્યાયતંત્ર અને ન્યાયપદ્ધતિમાં પ્રજાનો વિશ્વાસ અને માનની વૃદ્ધિ થાય તેમ ન્યાયિક હોદ્દા પર વ્યાવસાયિક રીતે માનપૂર્વક વર્તે તેમ સ્પષ્ટ કરાયું છે.’ ધારાશાસ્ત્રી થેકીશોએ સાઉથ આફ્રિકન ન્યાય સત્તાવાળાઓને તપાસ ચાલે ત્યાં સુધી ટ્રાવર્સોને સસ્પેન્ડ કરવા અપીલ કરી છે.
દરમિયાન, શુક્રવાર ૨૩ જાન્યુઆરીની રાત્રે મૃતક અની દેવાણીના કાકા અશોક હિંડોચાએ પ્રેસ એસોસિયેશન સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ અનીને ન્યોયોચિત ટ્રાયલ નહિ મળ્યાં બાબતે અમે સંમત છીએ. આ કેસમાં પૂર્ણ સુનાવણી કરાઈ નથી. જજે શ્રીયેનને સાક્ષીના સ્ટેન્ડમાં ઉભો રાખવા દેવો જોઈતો હતો.’ સમગ્ર કેપ ટાઉન ટ્રાયલમાં હિંડોચા પરિવારના ઘણા સભ્યોની સાથે અશોક હિંડોચાએ પણ હાજરી આપી હતી.
કેપ ટાઉનમાં નવેમ્બર, ૨૦૧૦માં હનીમૂન પર ગયેલા શ્રીયેન અને અની દેવાણીનું કારમાં અપહરણ કરાયા પછી ૧૩ નવેમ્બરે અનીનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીની હત્યાનું કાવતરું રચ્યાનો આરોપ શ્રીયેન દેવાણી પર લગાવાયો હતો. માનસિક આઘાત અને આરોગ્યના કારણોસર પ્રત્યાર્પણ માટે લાંબી કાનૂની લડાઈ પછી શ્રીયેનને સાઉથ આફ્રિકા લઈ જવાયો હતો.
વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટમાં બે મહિનાની ટ્રાયલના આરંભે જ શ્રીયેને તે બાઈસેક્સ્યુઅલ હોવાનું નિવેદન જારી કરી હત્યાના હેતુના આક્ષેપો પર પાણી ફેરવી દીધું હતું. અપૂરતા પુરાવા અને સાક્ષીઓની વિશ્વસનીયતાના અભાવે પ્રોસિક્યુશનનો કેસ ખામીપૂર્ણ હોવાનું જણાવી બચાવ પક્ષે કેસ ફગાવી દેવા અરજી કરી હતી. જજ ટ્રાવર્સોએ અરજી માન્ય રાખી ડિસેમ્બરમાં શ્રીયેન વિરુદ્ધ પત્ની અનીની હત્યાના કાવતરાનો કેસ ફગાવી દીધો હતો. અની દેવાણીની હત્યા સંદર્ભે ડ્રાઈવર ઝોલા ટોન્ગો, મ્ઝિવામાડોડા ક્વાબે અને ઝોલિલે મ્ન્જેનીને કારાવાસની સજા થઈ છે.