લંડનઃ બ્રિસ્ટલના કેર હોમ બિઝનેસમેન શ્રીયેન દેવાણીએ આખરે યુકેની કોર્ટ સમક્ષ પત્ની અની દેવાણીની હત્યા સંબંધે જુબાની આપવી પડશે. યુકેના કોરોનર ઈન્ક્વેસ્ટ માટે સુનાવણીની તારીખ નિશ્ચિત કરવાની તૈયારી કરી રહ્યા છે. દેવાણીએ પત્નીના મૃત્યુ અંગે આજ સુધી જાહેરમાં કશું જણાવ્યું નથી, પરંતુ યુકેની ઈન્ક્વેસ્ટ હાથ ધરાય તો પરિસ્થિતિ બદલાઈ જશે.
અની દેવાણીનો પરિવાર પણ ઈન્ક્વેસ્ટની રાહ જોઈ રહ્યો છે. હિન્ડોચા પરિવાર કહે છે કે હત્યાની રાત્રે ખરેખર શું થયું તે તેઓ શ્રીયેન પાસેથી જાણવા ઈચ્છે છે. તેઓ લગભગ પાંચ વર્ષથી આની રાહ જોઈ રહ્યા છે.
શ્રીયેન દેવાણી સામે પત્ની અની સાથે સાઉથ આફ્રિકામાં હનીમૂન માટે ગયા ત્યારે તેનું મૃત્યુ નીપજાવવાના કાવતરાનો આક્ષેપ છે. સ્વીડનમાં ઉછરેલી એન્જીનીઅર અની હિન્ડોચાને કેપ ટાઉનમાં ૧૩ નવેમ્બર, ૨૦૧૦ના દિવસે ઠાર કરાઈ હતી. દેવાણી દંપતી શહેરના ઉપનગરમાં ફરવા નીકળ્યું ત્યારે તેમનું અપહરણ કરાયાનું શ્રીયેને જણાવ્યું હતું.
ગયા વર્ષે ઓક્ટોબરમાં શ્રીયેન સામે કેપ ટાઉન હાઈ કોર્ટમાં કેસ શરૂ થયો હતો. પરંતુ પ્રોસીક્યુશન કેસમાં જડબેસલાક પુરાવા નથી અને મુખ્ય સાક્ષીઓની જુબાની વિરોધાભાસી અને અવિશ્વસનીય હોવાનું જણાવી જજ જેનેટ ટ્રાવર્સોએ કેસ ફગાવી દીધો હતો. આના પરિણામે, શ્રીયેને જુબાની આપવી પડી ન હતી.
જોકે, સાઉથ આફ્રિકન ધારાશાસ્ત્રીઓ અને એકેડેમિક્સના જૂથે જજ ટ્રાવર્સો સામે ‘ન્યાયકીય પૂર્વગ્રહ અને ગેરવર્તન’નો આક્ષેપ મૂક્યો છે. સાઉથ આફ્રિકાની જ્યુડિશિયલ કન્ડક્ટ કમિટી જજ ટ્રાવર્સોની ગેરવર્તનની ચર્ચા કરવા આગામી મહિને બેઠક યોજશે.