લંડનઃ સાઉથ આફ્રિકામાં ૨૦૧૦ના નવેમ્બરમાં પત્ની અની દેવાણીની હત્યા કેસમાં મુક્ત કરાયેલા બ્રિસ્ટલના ઉદ્યોગપતિ શ્રીયેન દેવાણીએ પ્રથમ વખત અનીના મૃત્યુની ઈન્ક્વેસ્ટમાં પ્રશ્નોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. કોરોનર એન્ડ્રયુ વોકર દ્વારા નવ સપ્ટેમ્બરની સુનાવણીમાં ઈન્ક્વેટના વ્યાપ અંગે નિર્ણય લેવાશે. અનીના પિતા વિનોદ હિન્ડોચા શ્રીયેનને સાક્ષી તરીકે બોલાવાય તેવી આશા રાખે છે. શ્રીયેનને સમન્સ પાઠવવામાં આવે તો કોરોનર અને તે પછી અનીના પરિવારના વકીલ દ્વારા તેની પૂછપરછ થઈ શકે છે.
ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં ટ્રાયલ વખતે શ્રીયેન દેવાણીને હત્યાના આરોપથી મુક્ત કરાયો હતો. જોકે, તેણે કોર્ટમાં જુબાની આપવી પડી નહિ તેનો હિન્ડોચા પરિવારને અફસોસ રહ્યો છે. વિનોદ હિન્ડોચાએ જણાવ્યું હતું કે,‘ઘણાં અનુત્તર પ્રશ્નો તેની (શ્રીયેન) સામે મૂકવા જરૂરી છે. વાસ્તવમાં શું થયું હતું તે જાણવાની અમારી પાસે આ છેલ્લી તક છે. ન્યાય મેળવવાની આખરી આશા છે. હું તેના મોંઢે સાંભળવા માગું છું કે તેઓ શા માટે ટાઉનશિપ ગયા હતા અને તે શા માટે અનીને છોડી ચાલી ગયો હતો. ’ તેમણે ઉમેર્યું હતું કે, તેઓ દેવાણી વિરુદ્ધ ખાનગી કાનૂની કાર્યવાહી વિચારતા હતા, પરંતુ અનેક ઘા ફરી ખુલે તેવી પરિવારની આશંકાથી આમ કર્યું નથી.
જોકે, મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસની ગાઈડલાઈન્સ અનુસાર ‘જ્યાં પણ પ્રસ્તુત હોય ત્યાં કોરોનર સાક્ષીને ચેતવણી આપી શકે છે કે તેને ગુનામાં સંડોવી શકે તેવા કોઈ પણ પ્રશ્નોનો ઉત્તર આપવા તેના માટે ફરજિયાત નથી.’
ગત ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના કેપ ટાઉનની ટ્રાયલમાં પ્રોસિક્યુશનના કેસમાં ઘણી ખામી હોવાની દેવાણીના કાઉન્સેલની અરજીના પગલે જજે ટ્રાયલ અટકાવી દીધી હતી. દેવાણી સામેના પુરાવા વિરોધાભાસી હોવા સાથે અનીની હત્યા પાછળના કારણો અનુત્તર રહ્યાનો ખેદ પણ જજે વ્યક્ત કર્યો હતો.