લંડનઃ ૧૩ વર્ષથી નાના કિશોર સાથે ૨૦૧૩માં જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે દુષ્કર્મના આરોપસર સ્લાઉના ગ્રેનવિલે એવન્યુના ૪૧ વર્ષીય મોહમ્મદ કાબરી અનીસ યુનુસને ૩ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ બળાત્કારના બે ગુના બદલ દોષિત ઠેરવીને ઓછામાં ઓછી છ વર્ષની જેલ સાથે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.
ચાઈલ્ડ એબ્યુઝ ઈન્વેસ્ટિગેશન યુનિટના ઈન્સ્પેક્ટર એન્ડી હોવાર્ડે જણાવ્યું હતું કે મોહમ્મદ યુનુસ આ વિસ્તારની વગદાર અને ભરોસાપાત્ર વ્યક્તિ હતી. પરંતુ તેણે અકલ્પનીય રીતે ધાકધમકીથી વિશ્વાસભંગ કર્યો હતો અને હવે તે જેલની સજા ભોગવી રહ્યો છે. પીડિત કિશોર અને તેનો પરિવાર આઘાતજનક સ્થિતિમાંથી બહાર આવવા કોશિશ કરી રહ્યા છે અને તેમને પૂરતી સહાય અપાઈ રહી છે. આ કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારથી હિંમત અને ગરિમા દર્શાવવા માટે હું પીડિત અને તેના પરિવારનો આભાર માનું છું. યુનુસની ધરપકડ કરાયાના માત્ર બે જ મહિનામાં એકત્ર કરાયેલા પૂરાવાના આધારે તેને ગુનેગાર ઠેરવી શકાયો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે યુનુસને છેલ્લાં પાંચ વર્ષથી સ્લાઉ વિસ્તારમાં મજબૂત સંપર્કો હતા અને આ સમયગાળા દરમિયાન તે સ્લાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાનગી રીતે નોકરી કરી હશે. યુનુસને કામે રાખનાર પરિવાર સાથે અમે વાતચીત કરવા ઉત્સુક છીએ.