લંડનઃ યોગ-આધ્યાત્મિક ગુરુ અને પર્યાવરણવાદી સદ્ગુરુએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેરથી સોમવારે મોટરસાઇકલ પર યુકેથી ભારત સુધી 30,000 કિમીની યાત્રા શરૂ કરી છે. 100 દિવસના આ સોલો પ્રવાસમાં લંડનથી યુરોપ અને મિડલ ઇસ્ટ થઈને ભારત પહોંચશે. તેઓ સેવ સોઈલ અભિયાન અંતર્ગત સમગ્ર વિશ્વમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ આ અઠવાડિયા દરમિયાન એમ્સ્ટરડેમ, બર્લિન અને પ્રાગ પહોંચશે.
પ્રવાસ દરમિયાન સદગુરુ 27 દેશોમાં જાણીતી હસ્તીઓ, પર્યાવરણવાદીઓ અને પ્રભાવકોને મળવાના છે. સરકારો અને નીતિનિર્માતાઓને માટી બચાવીને જમીનના પુનર્જીવનને પ્રાથમિકતા આપવા માટે આહ્વાન કરશે. તેઓ ભારતની આઝાદીના 75મા વર્ષના સન્માનમાં 75 દિવસમાં નવી દિલ્હીમાં સ્વદેશ પરત ફરવાનું લક્ષ્ય રાખે છે. કોન્શિયસ પ્લાનેટ પહેલના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ સેવ સોઇલ મૂવમેન્ટનો ઉદ્દેશ મૃત્યુ પામતી માટી અને વધતા રણ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો છે.
પાર્લામેન્ટ સ્ક્વેર: ફ્લેગ ઓફ પોઈન્ટ
લંડનનું પાર્લામેન્ટ સ્ક્વેર મોટરસાઇકલ યાત્રા માટે ફ્લેગ ઓફ પોઈન્ટ હતું. સોમવારે સદ્ગુરુએ મહાત્મા ગાંધીની પ્રતિમાના ચરણ સ્પર્શ કરીને પુષ્પ અર્પિત કર્યા. અનુયાયીઓ અને મહાનુભાવોને સંબોધતા તેમણે કહ્યું, ‘આગામી 100 દિવસો માટે, વિશ્વએ માટીને બચાવવા માટે એક ઉદ્દેશ્ય સાથે એક ઊર્જા સાથે એક થઈ જવું જોઈએ. માટીની વાત હોય, માટીના ગીત હોય, માટીમાં શ્વાસ લો, માટીમાં જીવો. ચાલો આ બધું સાકાર કરીએ.’
20 વર્ષમાં 3 લાખથી વધુ ખેડૂતોની આત્મહત્યા
બાઇક યાત્રા પર નીકળતા પહેલા સોમવારે સદ્ગુરુએ ભારતીય હાઈ કમિશન ખાતે સંબોધન કર્યું. આ પછી પત્રકારો સાથે ચર્ચામાં કહ્યું, ‘હું 24 વર્ષથી આ વિશે વાત કરી રહ્યો છું, પરંતુ ઉકેલ ત્યારે જ આવી શકે જ્યારે દરેક દેશમાં હકારાત્મક નીતિ હોય. તેમણે કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં 300,000 થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આવું થઈ રહ્યું છે... મુખ્ય ચિંતાઓમાંની એક ફળદ્રુપ જમીન એટલે કે માટીનો અવક્ષય છે.’
હાઉસ ઓફ પાર્લામેન્ટઃ ચાલો, ઉદ્દેશ સાકાર કરીએ
યુકેના સંસદસભ્યોને કરેલા સંબોધનમાં, સદ્ગુરુએ મહિલાઓને આ ચળવળ હાથ ધરવા વિનંતી કરી. વ્યવસાયે ઉદ્યોગપતિ અને હૃદયથી પરોપકારી રવીન્દ્ર જંગ લામિછાને જણાવ્યું હતું કે ‘માટી બચાવો’ જેવા વૈશ્વિક અભિયાનને પ્રોત્સાહન આપવા એક જવાબદાર નાગરિક તરીકે હું મારો સમય, જુસ્સો અને પ્લેટફોર્મનું યોગદાન આપી રહ્યો છું, આથી વધુ સારી લાગણી હોઇ શકે નહીં.
શ્રી સદગુરુજી દ્વારા વૈશ્વિક સ્તરે શરૂ કરાયેલ એક મહાન ઉદ્દેશ્ય ‘માટી બચાવો’ અભિયાનને સમર્થન આપવા માટે હું ખરેખર સન્માનિત અને ધન્યતા અનુભવું છું. ચાલો, હવે આપણે ઉદ્દેશ સાકાર કરી બતાવીએ.
એક્સેલ: ફળદ્રુપ જમીનની કટોકટી સર્જાઇ છે
એક્સેલ ખાતે રવિવારે લંડનમાં આયોજિત જાહેર કાર્યક્રમમાં સદગુરુએ કહ્યું, ‘જો હું ન કરી શકું, તો તમારે તે કામ હાથમાં લેવું જ પડશે. ચાલો તેને સાકાર કરીએ. હું વૈજ્ઞાનિક નથી, હું પર્યાવરણવાદી નથી. પરંતુ હું જાણું છું કે ફળદ્રુપ જમીનની કટોકટી સર્જાઇ રહી છે તેથી હું રાજ્યના વડાઓ, રાજકારણીઓ, નેતાઓ, ટોચના વૈજ્ઞાનિકો અને પ્રભાવકો સાથે વાત કરી રહ્યો છું.’
નીસડન મંદિર: BAPS એટલે પ્રેરણાનો સ્રોત
શનિવાર 19 માર્ચ 2022ના રોજ સદગુરુએ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર-નીસડનની મુલાકાત લીધી. કોઠારી સ્વામી યોગવિવેકદાસ સ્વામી દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું. સદગુરુની હાજરીમાં એક વિશેષ સાંજ સભા યોજાઈ હતી, જેમાં લોર્ડ રેમી રેન્જર, એમપી બોબ બ્લેકમેન, વીરેન્દ્ર શર્મા અને હિન્દુ મંદિરો-સંગઠનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
એક ઇન્ટરેક્ટિવ સંવાદ દરમિયાન, સદ્ગુરુએ તેમના વૈશ્વિક ‘સેવ સોઇલ’ અભિયાનનો ઉદ્દેશ સમજાવ્યો હતો અને આ વિશે જાગૃતિ લાવવા ભારતમાં કાવેરી સુધીની તેમની સોલો મોટરબાઈક યાત્રા વિશે વિગતવાર વર્ણન કર્યું.
સદગુરુએ આ ઉત્તમ મંદિર બનાવવા માટે પ્રચંડ સમર્પણ, ધ્યાન અને ભક્તિ વિશે વાત કરી અને પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પી. સદગુરુએ જણાવ્યું કે સમગ્ર યુકે અને યુરોપમાં BAPS દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ એવી વસ્તુઓ છે જે હંમેશ માટે જીવશે અને આવનારા લાંબા સમય સુધી લોકોને પ્રેરણા આપશે.
નીસડન મંદિરના મુખ્ય સ્વયંસેવક નીતિનભાઇ પલાણે ઉમેર્યું, ‘સદ્ગુરુજીનું સ્વાગત કરવું અને તેમના મહત્ત્વપૂર્ણ વૈશ્વિક અભિયાનને સમર્થન આપવું એ સન્માનની વાત છે. આ વર્ષે પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી જન્મ જયંતીના ભાગરૂપે, અમે પરિવારોને તેમના ઘરે એક વૃક્ષ વાવવા માટે પ્રોત્સાહિત કરીને ‘ક્વીન્સ ગ્રીન કેનોપી’ પ્રોજેક્ટમાં યોગદાન આપી રહ્યા છીએ. અમે સદ્ગુરુજીને આપણી માટી બચાવવા માટે મહત્વપૂર્ણ જાગૃતિ લાવવાના તેમના મિશનમાં શુભેચ્છા પાઠવીએ છીએ.’
બસવેશ્વરાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ
સદગુરુએ લંડનમાં ભગવાન બસવેશ્વરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. લંડન બરો ઓફ લેમ્બેથના ભૂતપૂર્વ મેયર ડો. નીરજ પાટીલ દ્વારા પ્રતિમા પાસે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.