લંડનઃ બ્રિટનમાં પરિવારો દ્વારા સંચાલિત સફળ બિઝનેસીસની સિદ્ધિઓની ઉજવણી માટે છઠ્ઠા વાર્ષિક રેડ રિબન એવોર્ડ્ઝ માટે ૩૦૦થી વધુ ફેમિલી બિઝનેસ મહેમાનો શુક્રવાર ૧૦ જુલાઈએ શેક્સપીઅર’સ ગ્લોબ ખાતે એકત્ર થયા હતા. યુકેના સૌથી પ્રતિષ્ઠિત ફેમિલી બિઝનેસના વિજેતાઓનું બહુમાન ૧૧ ફેમિલી પેઢીને સાંપડ્યું હતું. સન માર્કના ચેરમેન ડો. રેમી રેન્જર MBE, FRSAને કોર્બેટ કીલીંગ ‘લાઈફટાઈમ એચિવમેન્ટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રેમી રેન્જર વિદેશ હોવાથી તેમના વતી પુત્રી રીના આહુજાએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
જજીસે ડો. રેન્જર માટે જણાવ્યું હતું કે,‘સ્વપ્નાને સાકાર કરવા યુવાન વયે ઈંગ્લેન્ડ આવેલા રેમી યુકેના સૌથી પ્રેરણાદાયી અને સન્માનિત બિઝનેસ લીડર્સમાં એક બની રહ્યા છે. અન્ય લોકોએ ગુમાવેલી તક ઝડપી લેવાની દૃષ્ટિ હોવા સાથે બ્રિટિશ બિઝનેસ સોસાયટીમાં સ્થાન હાંસલ કરવા તેમણે ભારે જહેમત ઉઠાવી છે. તેઓ રાજકીય સુધારાવાદી, ઉદાર પરોપકારી છે. બકિંગહામ પેલેસ દ્વારા સન્માન ઉપરાંત તેમણે સતત પાંચ વર્ષ ક્વીન્સ એવોર્ડ્સ ફોર એન્ટરપ્રાઈઝ હાંસલ કર્યા છે.’
ફેમિલી બિઝનેસ પ્લેસના ડિરેક્ટર એમાલિઆ બ્રાઈટલી-ગિલોટે જણાવ્યું હતું કે,‘પારિવારિક ધંધાઓ બ્રિટિશ અર્થતંત્રનો પ્રાણ છે અને ત્રણમાંથી એક વ્યક્તિને નોકરી આપે છે. તેમના અભૂતપૂર્વ પ્રદાન છતાં તેઓ વિનમ્ર છે અને પોતાના વિશે પ્રચાર કરતા નથી. આથી જ અમે રેડ રિબન્સ એવોર્ડ્સની સ્થાપના કરી છે.’
યુકેમાં ૩૦ લાખથી વધુ પારિવારિક પેઢીઓ છે અને ફેમિલી બિઝનેસ પ્લેસ દ્વારા આયોજિત એવોર્ડ્સ માટે સેંકડોની સંખ્યામાં એન્ટ્રીઓ આવી હતી. યોર્કશાયરના ૨૦૦ વર્ષ જુના ચીઝ ઉત્પાદકથી માંડી લંડનમાં પર્ફ્યુમ ઉત્પાદકોની બીજી પેઢી અને ડેવોનમાં ભાઈઓ દ્વારા શરુ કરાયેલા બિઝનેસ સુધી તમામ માટે આ એવોર્ડ્સ હિઝનેસ સફળતાનું પ્રતીક બની રહ્યા છે.