લંડનઃ મેયર બોરિસ જ્હોન્સને સર બર્નાર્ડ હોગાન-હોવને મેટ્રોપોલીટન કમિશનર તરીકે માત્ર એક વર્ષના મુદતવધારાની ભલામણ કરતા તેમના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. કમિશનરની ઈચ્છા બે કે ત્રણ વર્ષના એક્સ્ટેન્શનની હોવાનું મનાય છે. આ ઉનાળામાં તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાનો છે.
મેયર જ્હોન્સને હોમ સેક્રેટરી થેરેસા મેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે લંડનના આગામી મેયર સર બર્નાર્ડને આ પદે રાખવા કે નહિ તેનો નિર્ણય કરી શકે તે માટે તેમને ૧૨ મહિનાનો ટુંકા ગાળાનો મુદતવધારો આપવો જોઈએ. આ ભલામણને પહેલા હોમ સેક્રેટરી અને તે પછી ક્વીનની મંજૂરી મળવી જરૂરી છે. જો થેરેસા મે ભલામણ ફગાવી દેશે તો ન્યૂ યોર્ક પોલીસના વડા બિલ બ્રેટન સંભવિત ઉમેદવારોમાં અગ્રેસર છે.