લંડનઃ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર, ૧લી નવેમ્બરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણી અહી પ્રથમ વખત કરવામાં આવી છે. એક વક્તાએ યાદ અપાવી હતી કે લાલકૃષ્ણ અડવાણી નાયબ વડા પ્રધાન હતા ત્યારે ૧૪ વર્ષ અગાઉ તેમણે ૨૦૦૨માં અહીં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સમયે ગાંધી હોલમાં એકત્રિત લોકોએ વક્તાને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધા હતા.
ભારતના કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાઈકે જણાવ્યું હતું કે સરદાર પટેલ ઉદાર મૂલ્યોના પ્રખર હિમાયતી હતા અને લઘુમતીઓના રક્ષણના મોરચે અગ્ર હતા. સરદાર ભારતની આઝાદી પછી તેને એક બનાવવાની કામગીરી માટે વધુ જાણીતા છે પરંતુ, ૧૯૪૭ પહેલા પણ તેમની સિદ્ધિઓ ભારે આદર્શરુપ હતી.
પટનાઈકે ઉમેર્યું હતું કે,‘આજે આપણે મજબૂત અને વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્ર છીએ કારણકે સતેમણે સિવિલ સર્વિસનું માળખું ઘડ્યું હતું. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નાયકોમાં તેમના દર્શન કદી થયા નથી પરંતુ હવેથી ૩૧ ઓક્ટોબરનો દિવસ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવનાર છે.’