લંડનઃ યુએસના સ્ટોક માર્કેટમાં ૨૦૧૦માં મોટુ ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નવિન્દર સિંહ સરાઓના પ્રત્યાર્પણની ટ્રાયલ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધી મુલતવી રખાઈ છે. સરાઓ પ્રત્યાર્પણ સામે લડત આપી રહ્યો છે. પ્રત્યાર્પણ કેસ મહિનાઓ સુધી ચાલી શકે છે. સરાઓ સામે ગંભીર ફ્રોડના ૨૨ આરોપ છે અને તેને કુલ ૩૮૦ વર્ષની સજા થઈ શકે તેમ છે. શુક્રવારે સેન્ટ્રલ લંડન કોર્ટમાં સુનાવણીમાં યુએસ પ્રોસીક્યુશન દ્વારા જાહેર નવા પુરાવાના સંદર્ભે બચાવપક્ષે સુનાવણી મુલતવી રાખવા માગણી કરી હતી.
બ્રિટનથી દર વર્ષે ડઝન જેટલા આરોપીને યુએસમાં ટ્રાયલ માટે મોકલવા જણાવાય છે અને મોટા ભાગે આરોપીને ત્યાં મોકલાય છે. યુએસ સાથે પ્રત્યાર્પણના કાયદા સરળ બનાવાયા પછી પ્રથમ આઠ વર્ષમાં યુએસની ૧૨૦ વિનંતી માન્ય રખાઈ હતી, જ્યારે માત્ર ૧૦ વિનંતી નકારાઈ હતી.