લંડનઃ જમ્મુ અને કાશ્મીર રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું દર્શન કરાવતા સર્વપ્રથમ જમ્મુ કાશ્મીર ફેસ્ટિવલનું આયોજન લંડનમાં ૨૧થી ૨૬ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલના વિચારને કાશ્મીરી પંડિત કેમ્પેઈનર લક્ષ્મી કોલે મૂર્તિમંત બનાવી બ્રિટિશ પ્રજા સમક્ષ રજૂ કર્યો હતો.
જમ્મુ કાશ્મીર ફેસ્ટિવલમાં ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રીલેશન્સ, ધ નેહરુ સેન્ટર, ઈન્ક્રેડિબલ ઈન્ડિયા (પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલય), કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), ધ મોન્ટકામ સક્ઝરી હોટેલ્સ, એર ઈન્ડિયા, ઝી, ભારતીય વિદ્યા ભવન તેમજ હીઅર એન્ડ નાઉ ૩૬૫નો મુખ્ય સહયોગ રહ્યો હતો.
હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન, જમ્મુ-કાશ્મીર સરકારના કમિશનર સેક્રેટરી, CIIના વાઈસ ચેરમેન નવીન ચૌધરી સહિતના મહાનુભાવોએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. નટરંગ મ્યુઝિક અને ડાન્સ રેપર્ટરીના કળાકારોએ જમ્મુ, કાશ્મીર અને લડાખના ઊર્જાસભર લોકનૃત્ય પરફોર્મન્સીસથી લંડનવાસીઓના દિલ જીતી લીધા હતા. તેમણે ફેસ્ટિવલ ઉપરાંત, મેયર ઓફ લંડન્સ દિવાળી ઓન ટ્રફાલ્ગર સ્ક્વેર, ભારતીય વિદ્યા ભવન અને નેહરુ સેન્ટર ખાતે પણ પરફોર્મન્સીસ કર્યા હતા. ફેસ્ટિવલમાં સેંકડો મુલાકાતીઓએ રાજ્યના ઈતિહાસ, સંસ્કૃતિ, વારસા અને કળાના વિઝ્યુઅલ ડિસ્પ્લે ઉપરાંત, કળાકારીગરીના નમૂના અને હસ્તકલાની બનાવટોના પ્રદર્શનનો પણ લાભ લીધો હતો.
એક સપ્તાહના ઉત્સવમાં મહારાજા હરિસિંહના પૌત્ર અને જમ્મુ-કાશ્મીરની વિધાનપરિષદના સભ્ય મહારાજ કુમાર અજાતશત્રુ સિંહ, કાશ્મીરી પંડિત કર્મશીલ અને મીડિયા મેન સુશીલ પંડિત, CII ના ચેરમેન શેખ ઈમરાન અને સભ્યો, સ્થાનિક બિઝનેસીસ સહિત ભારતમાંથી અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.
સાંસદ બોબ બ્લેકમેને ફેસ્ટિવલની ટીમને અભિનંદન પાઠવતા પોતાના જમ્મુ-કાશ્મીર પ્રવાસને યાદ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન તેમજ જમ્મુ કાશ્મીર ફેસ્ટિવલના ડિરેક્ટર લલિત શર્માએ રાજ્યની સાંસ્કૃતિક ધરોહરની વાત કરી આ ફેસ્ટિવલથી સહેલાણીઓ અને મુલાકાતીઓ જમ્મુ-કાશ્મીરને આગામી રજાઓ ગાળવાના સ્થળ તરીકે પસંદ કરશે તેમ પણ જણાવ્યું હતું. આ ફેસ્ટિવલ લંડનના કાશ્મીરી પંડિત કર્મશીલ લક્ષ્મી કોલના ભેજાની નીપજ છે. તેમણે કહ્યું હતું કે,‘જમ્મુ-કાશ્મીર ફેસ્ટિવલે પુરવાર કર્યું છે કે નિરાશ થઈ બધું છોડી દેવાના બદલે જીવન, એકતા, વૈવિધ્યતાની ઉજવણી કરવાના અનેક કારણ છે.’
એક સપ્તાહના કાર્યક્રમ દરમિયાન સાંસદ બોબ બ્લેકમેનના અધ્યક્ષપદે CII દ્વારા પાર્લામેન્ટના ગૃહોમાં બિઝનેસ ગોળમેજી પરિષદનું પણ આયોજન કરાયું હતું. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીર તેમજ લંડનના બિઝનેસીસ દ્વારા ભાવિ ક્ષમતા અને વિકાસ તકોની ચર્ચા કરાઈ હતી. ફેસ્ટિવલનું સમાપન ૨૬ ઓક્ટોબરે કરાયું હતું. આ જ તારીખે મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરના ભારતમાં જોડાણના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ દિવસ કોમ્યુનિટી સંસ્થાઓ દ્વારા જમ્મુ કાશ્મીર દિવસ તરીકે ઓળખાવાય છે. તેને સત્તાવાર માન્યતા આપવા ભારત સરકારને વિનંતી પણ કરાઈ છે.