લંડનઃ હોમ સેક્રેટરી સાજિદ જાવિદના સૌથી મોટા ભાઈ તારીક જાવિદે વેસ્ટ સસેક્સના સાઉથ લોજ હોટલના બાથરુમમાં ૨૯મી જુલાઈએ આપઘાત કર્યો હોવાનું કોરોનરે જણાવ્યું હતું.
રોચડેલમાં જન્મેલા ૫૨ વર્ષીય રિટેઈલ આસિસ્ટન્ટ તારીકે હોર્શામમાં આવેલા પોતાના ઘરે બે સુસાઈડ નોટ મૂકી હતી અને ત્યાંથી તેઓ આ ફાઈવ સ્ટાર હોટલે ગયા હતા. ત્યાં ખૂબ પ્રમાણમાં શરાબ પીતા તેમને હોશ રહ્યો ન હતો અને તેમણે જાતને નુક્સાન પહોંચાડ્યું હતું. પછી તે ઉંધા પડી ગયા હતા અને બાથટબમાં ડૂબી ગયા હોવાનું વેસ્ટ સસેક્સ કોરોનર કોર્ટમાં સિનિયર કોરોનર પેનીલોપ શોફિલ્ડે જણાવ્યું હતું. ૧૫ વર્ષથી તેમની સાથે રહેલા પાર્ટનરે તેમના ઘરે પાછા ફર્યા બાદ હોટલ પર ફોન કર્યો હતો. સાજિદના બીજા ભાઈ બાસિતે તેમની ઓળખવિધિ કરી હતી.