લંડનઃ ઈટનના માત્ર સાત વર્ષના રુપર્ટ બ્રૂકે અપ્રતિમ સાહસ દાખવી સાઈકલ પર લંડનથી પેરિસ 200 માઈલનું અંતર કાપનારો સૌથી નાની વયનો સાઈકલવીર બન્યો છે. તેણે પિતાની યાદમાં આ સાહસ કર્યું હતું. તેની યાત્રા 6 જુલાઈની સાંજે લંડનથી શરૂ થઈને રવિવાર10 જુલાઈએ પેરિસ ખાતે પૂર્ણ થઈ હતી. રુપર્ટે તેના આ સાહસ સાથે નેવાર્કની ચેરિટી ચિલ્ડ્રન્સ બીરવમેન્ટ સેન્ટર માટે 11500 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી. રુપર્ટે ચાર દિવસ સુધી સાઈકલ ચલાવી હતી અને તેની માતા સાથે રોજના 50 માઈલનું અંતર કાપતો હતો.
અગાઉ, રુપર્ટે જણાવ્યું હતું કે, ‘મારા પિતા 29 એપ્રિલ 2019ના દિવસે મને નર્સરી મૂકવા આવ્યા હતા ત્યારે મને વ્હાલથી આલિંગન કરી ગુડબાય કર્યું હતું. તેમનું આ છેલ્લું આલિંગન હતું. મારા ‘Daddy Pig’ સમગ્ર વિશ્વમાં મારા માટે સૌથી મનપસંદ વ્યક્તિ હતા. મારે કશું પણ જોઈએ તે માટે હું તેમની પાસે જ જતો. તેઓ મને હસાવતા, સુરક્ષાની લાગણી આપતા અને મને ખૂબ વહાલ કરતા હતા. હવે તેઓ રહ્યા નથી. હવે કશું પહેલા જેવું રહ્યું નથી અને મારું જીવન સદા માટે બદલાઈ ગયું છે.’
કરુણતા એ છે કે આ દિવસે જ કામના સ્થળે એક અકસ્માતમાં ટોમ બ્રૂકનું મોત થયું હતું. ત્યારે માત્ર 4 વર્ષના રુપર્ટ માટે પિતાને ગુમાવવા એટલે શું તે સમજી શકવાનું મુશ્કેલ હતું. આ એ જ પિતા હતા જેમણે રુપર્ટને સાઈકલ ચલાવતા શીખ્વ્યું હતું. પહેલા તો રુપર્ટ અને માતા જેસ બ્રૂકને તેમના પરિવાર અને મિત્રોનો સહારો મળ્યો પરંતુ, મહામારી અને તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ આવતા મદદ મર્યાદિત બની હતી.
આ સમયે નેવાર્કના ચિલ્ડ્રન્સ બીરવમેન્ટ સેન્ટરે ખરાબ સમયમાં તેમની મદદ શરૂ કરી હતી. આ સેન્ટર શોકગ્રસ્ત બાળકોની મદદ કરે છે. રુપર્ટને નેવાર્કના ચિલ્ડ્રન્સ બીરવમેન્ટ સેન્ટર તરફથી વિશેષ અભિનંદન અપાયા છે. સેન્ટરે સંદેશામાં તેના કાર્યને પ્રેરણાદાયક ગણાવી કહ્યું હતું કે તારા પિતા ખરેખર તારા માટે ગર્વ અનુભવતા હશે.
રુપર્ટ સપ્ટેમ્બર 2021માં લેસ્ટર ફોરેસ્ટ રોકેટ્સની સાઈકલિંગ ક્લબમાં જોડાયો હતો. તેણે આ વર્ષની શરૂઆતમાં ડોવ કોટેજ ડે હોસ્પિસ ચેલેન્જ 25 કેમ્પેઈનમાં ભાગ લઈ 25 ટેકરીઓની ટોચ પર સાઈકલ ચલાવી હતી અને 8,590 પાઉન્ડ એકત્ર કર્યાં હતાં. રુપર્ટની માતા જેસે જણાવ્યું હતું કે રુપર્ટે ફાધર્સ ડેના દિવસે પણ સ્કેજનેસ સુધી 70 માઈલનું અંતર સાઈકલ પર કાપ્યું હતું.