નડિયાદઃ સાત વર્ષની તાન્યા પટેલ નડિયાદના લક્ષ ડુપ્લેક્ષમાં તેના દાદીમા સાથે રહેતી હતી. તેના માતા - પિતા લંડનમાં રહે છે. ૧૮મીની રાત્રે પોણા આઠ વાગ્યાના સુમારે તાન્યા તેના ઘરની બહાર રમતી હતી ત્યારે એસએનવી સ્કૂલમાં ધો. ૨માં ભણતી તાન્યાને મીત પટેલે બોલાવીને આઇટેન ગાડીમાં બેસાડીને તેનું અપહરણ કર્યું હતું. અપહરણ પછી મીત અને તેના મિત્ર કૌશલને લાગ્યું કે, ઓળખ નહીં છુપાવી શકાય અને રૂ. અઢાર લાખ સુધીની ખંડણી પણ માગી શકાય તેમ નથી. તેથી મીતે સાડા આઠ વાગ્યાના સુમારે વાસદના મહીસાગર બ્રિજ પરથી તાન્યાને નદીના પાણીમાં ફંગોળી દીધી હતી. તાન્યાને અપહરણ બાદ વડોદરા લઇ જવાનો પ્લાન હતો.
બીજી તરફ તાન્યા ન મળતાં પોલીસને ફરિયાદ કરાઈ હતી અને તાન્યાના અપહરણ પછી તેના જ પાડોશના મકાનમાં રહેતો અજય ભીલ ગુમ હતો તે પોલી તપાસમાં ખૂલ્યા પછી અજયની સાથે રહેતા મીત પટેલ પર પોલીસને શંકા ગઈ. એ પછી અજયને શોધીને મીતની પણ તાન્યા કેસમાં શંકાના ઘેરામાં તેની અટકાયત થઈ હતી. જેમાં તાન્યા કેસમાં મીતના મિત્ર કૌશલ પટેલની સંડોવણી ખૂલી હતી. આરોપીઓએ પોલીસને કહ્યું છે કે, કુસુમબહેનને લંડનથી દીકરાએ રૂ. ૧૦ લાખ મોકલ્યા હોવાની વાત ઐય્યાશ મીતને ખબર પડતાં તેણે મિત્રો સાથે આ પ્લાન ઘડ્યો.
પરિવારનો વિલાપ
તાન્યાનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ ૨૨મીએ બપોરે તેના મૃતેદેહને લક્ષ ડુપ્લેક્ષમાં તેના ઘરે લવાયો હતો ત્યારે તેના પરિજનો આક્રંદ રોકી શક્યા નહોતા. પરિવારજનોનો વિલાપ જોઈને પોલીસકર્મીઓની આંખમાં પણ આસુ આવી ગયાં હતાં.
શ્રદ્ધાંજલિ માટે રેલી
તાન્યાના પિતા અમિતભાઇ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયા ત્યારે તેમની સાથે પત્ની ગાયત્રીબહેન, ૨ વર્ષની દીકરી આરવી અને પાંચ માસના પુત્ર જીઆનને લઇ ગયા હતા. જયારે સાત વર્ષની તાન્યાને દાદી કુસુમબહેન પાસે મૂકીને ગયા હતા. જે બાદ તેઓ બ્રિટન ઓવર સ્ટે થઇ ગયા જેથી દીકરીના અંતિમ સંસ્કારમાં પણ આવી શક્યા નથી. તાન્યાના અંતિમ દર્શન તેઓએ લાઈવ કોલિંગથી જ કર્યાં છે. તાન્યાને શ્રદ્ધાંજલિ આપવા સંતરામ મંદિરમાં ૨૩મીએ સવારે કાર્યક્રમનું આયોજન હતું. જેમાં સ્વૈચ્છિક સંસ્થા, જાગૃત નાગરિકો જોડાયાં ઉપરાંત તંત્રને આ પ્રકારના કૃત્યો ન બને તે માટે પગલાં લેવા તેમજ તાન્યાના ગુનેગારોને સજા અપાવવા રેલી તથા આવેદનપત્ર અપાયાં હતાં. આ ઉપરાંત આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ સાથે નડિયાદ શહેરમાં કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. સોશિયલ મીડિયા પર મેસેજ વાઇરલ થયો હતો કે, ૨૮મીએ નડિયાદ અને મહુધા પંથકમાં સ્વયંભૂ બંધનું એલાન છે.