લંડનઃ કન્ઝર્વેટિવ ઝેક ગોલ્ડસ્મિથને હરાવી લંડનના મેયર બનેલા લેબર સાદિક ખાન અને પાર્ટીના નેતા જેરેમી કોર્બીન વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. સાદિકે પક્ષના નેતાને એવી સલાહ આપી છે કે તેમણે ડાબેરી ઉદ્દેશોનું વળગણ છોડી મતદારોને સંબંધિત વાસ્તવિક મુદ્દાઓ વિશે વાત કરવાનું શરુ કરવું જોઈએ. સોમવારે પક્ષની બેઠકમાં પણ સાદિક ખાને કોર્બીન સામે રોષ ઠાલવ્યો હતો.
લંડનના મેયરપદે શુક્રવારે ચૂંટાયા પછી પણ સાદિક ખાને તેમના પક્ષના નેતા સાથે મુલાકાત કરી ન હતી. બીજી તરફ, વિજયની ખુશાલીમાં શુક્રવારે સાદિક દ્વારા આયોજિત પાર્ટીમાં પણ કોર્બીન હાજર રહ્યા ન હતા અને બ્રિસ્ટોલના નવા ચૂંટાયેલા લેબર પાર્ટીના મેયર માર્વીન રીસના ટેકામાં શનિવારે બ્રિસ્ટોલ પહોંચી ગયા હતા. મેયરપદની ચૂંટણી દરમિયાન પણ સાદિક ખાને કોર્બીનથી અળગા રહેવાનું પસંદ કર્યું હતું. ખાને જણાવ્યું હતું કે લેબર પાર્ટીએ ‘માત્ર આપણા વિશે વાતો કરવાનું છોડી નાગરિકો સાથે તેમની સંબંધિત મુદ્દાઓ અંગે વાત કરવી જોઈએ.’ તેમણે આક્ષેપ કર્યો હતો કે કોર્બીન અને તેમના સાથીઓ મત પાછા જીતવાના બદલે પક્ષના આંતરિક મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
બીબીસી વનના એન્ડ્રયુ માર શોમાં તેમની ચૂંટણીમાં કોર્બીનનું શું પ્રદાન હતું તેવા પ્રશ્નના ઉત્તરમાં સાદિક ખાને જણાવ્યું હતું કે,‘સફળતાના અનેક પેરન્ટ્સ હોય છે અને હું માનું છું કે ગુરુવારનો વિજય એટલા માટે મહત્ત્વનો છે કે તે વિજય લંડનનો છે કારણકે.... લંડને ભય અને વિભાજનના સ્થાને આશા અને એકતાને પસંદગી આપી છે.’