લંડનઃ આગામી વર્ષે થનારી લંડનના મેયરની ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ૪૪ વર્ષીય સાદિક ખાન પસંદગી પામ્યા છે. ટૂટિંગના સાંસદ અને પૂર્વ કેબિનેટ પ્રધાન ખાનને અંતિમ રાઉન્ડમાં ૫૯ ટકા મત અને તેમના નિકટના હરીફ અને પૂર્વ ઓલિમ્પિક્સ મિનિસ્ટર ટેસ્સા જોવેલને ૪૧ ટકા મત મળ્યા હતા. જોકે, તેમને સમગ્ર પક્ષના સમર્થનનો રાઉન્ડ જીતવા ભારે મહેનત કરવી પડશે. સાદિક ખાનની પસંદગીથી લેબર પાર્ટી વધુ ડાબેરી બની રહી હોવાનો સંકેત પ્રાપ્ત થાય છે. જેરેમી કોર્બીને લંડનના મેયરપદની ચૂંટણીના ઉમેદવાર બનવા બદલ સાદિક ખાનને અભિનંદન પાઠવ્યા હતા.
ખાને મોટા પાયા પર નવા સભ્યો અને રજિસ્ટર્ડ સપોર્ટર્સ બનાવ્યા હતા અને પોતાના ચૂંટણી પ્રચારને મસ્જિદો સુધી પણ લઈ ગયા હતા. તેમણે પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરની નીતિઓની કડક ટીકા કરવા સાથે હાઉસિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લેબર પાર્ટીએ હીથ્રો એરપોર્ટના ત્રીજા રન-વેને સત્તાવાર સમર્થન આપ્યું હોવાં છતાં સાદિક ખાને તેનો વિરોધ કર્યો હતો. મેયરપદે ચૂંટાઈ જવાય તો સાદિક ખાન સાંસદનું પદ છોડવા માગે છે. તેમણે કહ્યું હતું કે,‘હું આ નગરને પ્રેમ કરું છું. તેણે મને અને મારા પરિવારને વિશાળ તકો આપી છે. લેબર પાર્ટીના સભ્યોના વિશ્વાસનું ઋણ ચુકવવા તમામ શક્તિ સાથે કાર્ય કરીશ.’
ખાને લેબર પાર્ટીના નેતૃત્વની હોડમાં પ્રવેશવા જેરેમી કોર્બીનને નોમિનેટ કર્યા હતા. જોકે, પાછળથી તેમણે એન્ડી બર્નહામને મત આપ્યો હોવાનું જણાવ્યું હતું. મેયરપદ માટે પાર્ટીના ઉમેદવાર બનવાની સ્પર્ધામાં ૧૧૪,૮૩૯ મતદારમાંથી ૮૭,૯૫૪ સભ્યોએ મત આપ્યો હતો. ખાનને ૪૮,૧૫૧ અને ટેસ્સા જોવેલને ૩૩,૫૭૫ મત મળ્યા હતા. ડાયેના એબટ, ગેરેથ થોમસ, ક્રિશ્ચિયન વોલ્માર અને ડેવિડ લેમી અગાઉ જ સ્પર્ધામાંથી પરાજિત થઈ ગયા હતા. સાદિક ખાન આગામી મેમાં લંડનના મેયરપદ માટે મુખ્ય રાજકીય પક્ષના સૌપ્રથમ ઉમેદવાર જાહેર કરાયા છે. લિબરલ ડેમોક્રેટ્સ અને ટોરી પાર્ટી ટુંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરશે. ટોરી પાર્ટીમાંથી મિલિયોનેર સાંસદ અને પર્યાવરણવાદી ઝેક ગોલ્ડસ્મિથ સહિત ચાર નેતા સ્પર્ધામાં છે. સિઆન બેરી ગ્રીન પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા છે.