લંડનઃ લેબર પાર્ટીના લંડનના મેયરપદ માટેના ઉમેદવાર સાદિક ખાને સ્લોઆન સ્ક્વેરમાં પીટર જોન્સ સ્ટોરમાં જઈ લંડન માટે પોતાની એપ્રેન્ટિસશિપ યોજનાઓ જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ ‘સ્કિલ્સ ફોર લંડનર્સ’ની સ્થાપના કરશે, જ્યાં વ્યૂહાત્મક નેતૃત્વ પુરું પાડવા સાથે રાજધાનીના વર્કફોર્સમાં મુખ્ય ખાઈઓની ઓળખ કરાશે.
મેયરપદના ઉમેદવાર સાદિક ખાને કહ્યું હતું કે કંપનીઓને આવશ્યક હોય તેવી કુશળતામાં લંડનવાસીઓને તાલીમબદ્ધ કરી શકાય તે માટે તેઓ બિઝનેસ, શૈક્ષણિક સંસ્થાઓ અને બરોઝ સાથે ભાગીદારીઓ સ્થાપિત કરશે. તેમણે કહ્યું હતું કે સિટી હોલ દ્વારા જે બરોઝમાં હજારો મકાનોના નિર્માણ કરાશે તેનો ઉપયોગ ત્યાં એપ્રેન્ટિસશિપ્સના સર્જનમાં કરાશે. વધુ અને વધુ લંડનવાસીઓ ઉચ્ચ ગુણવત્તાના કામની એપ્રેન્ટિસશિપ અથવા સલામત અને વધુ વેતન આપનારી પ્રથમ નોકરી મેળવવા સતત સંઘર્ષ કરે છે. લંડનમાં વધુ મકાનોના નિર્માણથી સ્થાનિક લોકોને કૌશલ્ય અને સીધા રોજગારની મોટી તક હાંસલ થશે, તેમ ખાને ઉમેર્યું હતું.
સાદિક ખાન શોપ ફ્લોર પર કામદારો અને એપ્રેન્ટિસોને મળ્યા હતા. તેઓ ૧૮ વર્ષના હતા ત્યારે અહીં કર્ટેઈન્સ અને ફીટિંગ વિભાગમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.