યુનાઈટેડ કિંગ્ડમમાં ગત પાંચ દાયકાથી હિન્દુ સમાજે નોંધપાત્ર કાઠું કાઢ્યું છે. આ ગાળામાં હિન્દુ કોમ્યુનિટીએ બ્રિટિશ સોસાયટીમાં પ્રસ્થાપિત થવા અને તેમના બાળકોનું ભાવિ સુનિશ્ચિત કરવા ધ્યાન કેન્દ્રિત કરેલું છે. હિન્દુ સમુદાયને આજે સુગઠિત, સુશિક્ષિત, કાયદાના પાલનકાર, બિઝનેસમાં વિશાળ ફાળો આપનાર, મહેનતુ, પ્રામિણક, ધીરજવાન, પ્રોફેશનલ અને સમાજ પ્રત્યે ભાવના ધરાવતી કોમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે.
આવી વાઈબ્રન્ટ અને સફળ કોમ્યુનિટીએ રાજકીય ક્ષેત્રમાં જે રીતે સહભાગી બનવું જોઈએ તે જણાતું નથી. આના પરિણામે, રાજકીય મંડળો અન્ય લઘુમતી વંશીય અથવા ધાર્મિક જૂથોની સરખામણીએ હિન્દુ સમુદાયની અવગણના કે અવહેલના કરતા રહે તેનું જોખમ વધ્યું છે. આપણા સમાજના અગ્રણીઓ સાથે મારી ચર્ચાઓ થતી જ રહે છે અને તેના ફળસ્વરૂપ જનરલ ઈલેક્શન 2015 માટે બ્રિટિશ હિન્દુ મેનિફેસ્ટો સર્જાયો છે. દરેક રાજકીય પક્ષના નેતાઓ દ્વારા આ મૂળભૂત મુદ્દાઓ પ્રત્યે પ્રતિભાવ મળવો જોઈએ.
‘કપિલ્સ ખિચડી’ કટાર દ્વારા તમામ મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓને આ મુદ્દાઓ પ્રત્યે ગંભીર વિચારણા સાથે દરએકનો સ્પષ્ટ હા/ના જવાબ આપવા જણાવીએ છીએ.
હિન્દુ મેનિફેસ્ટો ફોર જનરલ ઈલેક્શન 2015:
(૧) 2013માં રેગ્યુલેટરી એન્ડ રિફોર્મ બિલથી (લોર્ડ હેરિસ એમેન્ડમેન્ટ દ્વારા) ‘કાસ્ટ’ સંબંધિત 2010ના એક્ટને અમલી બનાવવા સરકારની જવાબદારી ઉભી કરાઈ હતી. આ અસ્વીકાર્ય અને ભૂલભરેલો કાયદો આગામી યુકે સરકારની રચનાના બે વર્ષમાં નાબૂદ કરાવો જોઈએ.
(૨) ફ્રી સ્કૂલ્સ (અને ફેઈથ સ્કૂલ્સને પ્રોત્સાહન) કાર્યક્રમ લાંબા ગાળાના સમર્પિત ભંડોળની વ્યવસ્થા સાથે ચાલુ રહેવો જોઈએ, જેથી સમગ્ર કોમ્યુનિટીની સેવા માટે વૈવિધ્યપૂર્ણ હિન્દુ સ્કૂલ્સ સ્થાપી શકાય.
(૩) દિવાળી અત્યંત મહત્ત્વનો હિન્દુ તહેવાર છે. બ્રિટિશ જીવનશૈલીમાં હિન્દુઓનાં વ્યાપક પ્રદાનને ઉજવવા બેન્ક હોલીડેની જાહેરાત કરાવી જોઈએ.
(૪) જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને આ બાબત ભારત સરકાર હસ્તક છે, આ સંજોગોમાં બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા કોઈ પણ રીતે તેમાં હસ્તક્ષેપ થવો ન જોઈએ.
(૫) વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી આપણા બન્ને રાષ્ટ્રોને અસર કરતા ઘણાં મુદ્દાઓ પર ગાઢ ભાગીદારીમાં કામ થવું જોઈએ. યુકે સરકાર ગુજરાત રાજ્યના વિકાસમાં વડા પ્રધાન મોદીના વિશાળ પ્રદાનની કદર કરવા સાથે સમગ્ર ભારતમાં તેના પુનરાવર્તન માટે ઉત્સુકતા દર્શાવે છે.
(૬) પાકિસ્તાન અને બાંગલાદેશ (તથા અન્ય દેશો)માં હિન્દુ માનવાધિકારનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે. યુકે સરકારે સંબંધિત સરકારો સાથે આ બાબત સીધી જ ઉઠાવવી જોઈએ.
(૭) સરહદ પારની ત્રાસવાદની પ્રવૃત્તિઓને વખોડવી જોઈએ અને યુકેની સરકારે પાકિસ્તાનની સરકાર સાથે સીધો જ આ મુદ્દો ઉઠાવી તેની ભૂમિનો ઉપયોગ ત્રાસવાદની કોઈ જ પ્રવૃત્તિઓ માટે ન કરાય તેની ખાતરી માગવી જોઈએ.
(૮) સેક્સ્યુઅલ ગ્રૂમિંગ રીતરસમ અત્યંત તિરસ્કૃત અને સંપૂર્ણ અસ્વીકાર્ય છે. આ અપરાધની તપાસ અને ગુના આચરનારાની ઓળખ પછી તેમને ન્યાય સમક્ષ લાવવા કાયદાનું સંપૂર્ણ બળ કામે લગાવવું જોઈએ
(૯) વિશ્વભરમાં કોઈ પણ સ્થળે બળજબરીપૂર્વક ધાર્મિક પરિવર્તન (પ્રત્યક્ષ કે પરોક્ષ) પ્રવૃત્તિ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેને વખોડી કાઢવી જોઈએ.
(૧૦) યુકે નેશનલ ટ્રેઝરમાં હિન્દુ કલાકૃતિઓની તપાસ અને ઓળખ કરી તેને પરત મોકલી આપવાની પ્રક્રિયા સ્થાપિત કરવી જોઈએ.
(૧૧) આ મુદ્દાઓ સંપૂર્ણ નથી અને હિન્દુ કોમ્યુનિટી માટે આખરી હોવાનો પ્રયાસ પણ નથી. આપણાં ઘણાં સંગઠનો રાજકીય ક્ષેત્રોમાં સક્રિય ભૂમિકા ભજવશે અને તેઓ પણ અન્ય મુદ્દાઓ રજૂ કરશે તે વિશે મને ખાતરી છે.આમ છતાં, તમામ રાજકીય નેતાઓ આ મુદ્દાઓ વિશે પ્રતિભાવ આપે તે આવશ્યક છે. તેમનું વલણ જાણવું પણ જરૂરી છે, જેથી મતદાન આંધળા વિશ્વાસના નહિ, પરંતુ માહિતીના આધારે થાય. આ મુદ્દાઓનો હા/ના જવાબ આપવો આપણાં મહેનતુ રાજકારણીઓ માટે ઘણો સરળ રહેશે!