લંડનઃ જેરેમી કોર્બીનના વડપણ હેઠળની લેબર પાર્ટીમાં માઈગ્રેશનના મુદ્દે નવી તિરાડ સર્જાઈ છે. બ્રાઈટન કોન્ફરન્સમાં જેરેમી કોર્બીને બ્રિટન માટે સામૂહિક ઈમિગ્રેશન સમસ્યા ન હોવાનું જણાવી તેની તરફેણ કરી છે, જ્યારે શેડો હોમ સેક્રેટરી એન્ડી બર્નહામે ઈમિગ્રેશન મુદ્દે Ukipમાં ચાલ્યા ગયેલાં સમર્થકોને પાછા લાવવા કડક પગલાંની હિમાયત કરી હતી.
જેરેમી કોર્બીને પાર્ટી કોન્ફરન્સમાં કહ્યું હતું કે દર વર્ષે મોટી સંખ્યામાં આવતાં ઈમિગ્રન્ટ્સ કોઈ સમસ્યા નથી, તેને તો તક ગણવી જોઈએ. ઘણાં વર્ષોથી આ દેશમાં આવેલા લોકોએ સમાજને નોંધપાત્ર પ્રદાન કર્યું છે, આર્થિક વૃદ્ધિ, આરોગ્ય સેવાઓ, સામાજિક અને શિક્ષણ સેવાઓમાં મદદ કરી છે. આથી ઈમિગ્રેશનને સમસ્યા તરીકે જોવાની જરૂર નથી.
તેમણે સ્વીકાર્યું હતું કે ઊંચા ઈમિગ્રેશનના લીધે જાહેર સેવા પરનું દબાણ ઘટાડવા શાળાઓ, હાઉસિંગ અને હોસ્પિટલ્સ પાછળ વધુ ખર્ચ કરવાની જરૂર છે. આમ છતાં, તેઓ આ દેશમાં આવતાં લોકોની સંખ્યા નિયંત્રિત કરવાના પક્ષમાં નથી. ‘ભૂતકાળમાં બ્રિટનમાંથી સામૂહિક સ્થળાંતર થયું હતું, હવે બ્રિટનમાં ઈમિગ્રેશન થઈ રહ્યું છે.’
જોકે, થોડા કલાકો પછી શેડો હોમ સેક્રેટરી એન્ડી બર્નહામે અલગ જ સૂર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લેબર પાર્ટી ઈમિગ્રેશન મુદ્દે ‘આઉટ ઓફ ટચ’ છે. સામૂહિક ઈમિગ્રેશનના કારણે વેતનો ઘટ્યાં છે અને બ્રિટિશ વર્કર્સ માટે નોકરીઓ સલામત રહી નથી. મુક્ત હેરફેરના વર્તમાન નિયમોથી અસમાનતા વધી રહી છે. મોટા શહેરોમાં આર્થિક તાકાત વધી છે, પરંતુ ગરીબ કોમ્યુનિટીઓ માટે જીવન વધુ મુશ્કેલ બન્યું છે.