લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩૩ વર્ષીય સારાહ એવરાર્ડના કમોતના પગલે ‘કન્સલ્ટેશન ઓન વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ ફરી ખોલવાની જાહેરાત કરી છે. હજારો મહિલાઓએ સારાહની હત્યા પછી જાતીય હેરાનગતિ, ઘરેલુ અને ઓનલાઈન હિંસા અને શોષણના પોતાના અનુભવો વિશે જણાવ્યું હતું. સારાહના અદૃશ્ય થવાથી અને તેનો મૃતહેહ મળી આવ્યાંના પગલે સ્ત્રીઓ જાહેર સ્થળોએ દિવસ કે રાતના સમયે એકલી હોય ત્યારે અનુભવાતા ડર સાથે હજારો મહિલાઓની સલામતી વિશે ચર્ચા શરુ થઈ છે. મૂળ પરામર્શ- કન્સલ્ટેશન ૧૦ ડિસેમ્બર ૨૦૨૦થી ૧૯ ફેબ્રુઆરીના ૧૦ સપ્તાહ સુધી હતો અને ૧૫,૦૦૦થી વધુ રિસ્પોન્સ મળ્યા હતા. હવે ૧૨ માર્ચથી ૨૬ માર્ચ સુધી બે સપ્તાહ માટે વધારાની રજૂઆતો સ્વીકારવામાં આવશે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ‘૩૩ વર્ષીય સારાહના કેસે અસંખ્ય લોકોના જીવન પર અસર કરી છે. સરકાર તમને સાંભળી રહી છે. દરેક વ્યક્તિ આપણી શેરીઓમાં કોઈ પણ ભય વિના ચાલવા-ફરવા મુક્ત હોવી જોઈએ. સારાહ અને તેનો પરિવાર મારાં વિચારો અને પ્રાર્થનામાં છે ત્યારે હોમ સેક્રેટરીની મારી ભૂમિકામાં મહિલાઓ અને છોકરીઓનાં રક્ષણ માટે મારાંથી શક્ય તમામ કરીશ.’ મિસિસ પટેલ ધાકધમકી-બળજબરીભરી વર્તણૂક અને જાહેરમાં શોષણ પર ત્રાટકવા પોલીસને નવી સત્તાઓ સોંપવા વિચારી રહ્યાં છે.
હોમ સેક્રેટરીએ સારાહ એવરાર્ડની હત્યાના પગલે મહિલાઓના પ્રતિભાવો અને શેરીઓમાં વધતા જાતીય હેરાનગતિના કેસને અપરાધ ગણવા નવા કાયદાઓની સાંસદોની હાકલના પગલે મહિલાઓ સામે જંગલિયાતના દૂષણની રાષ્ટ્રીય સમીક્ષાને પુનઃ ખોલી છે. કેમ્પેઈનર્સ સ્ત્રીદ્વેષને હેટ ક્રાઈમ બનાવવા સરકારને અપીલ કરી રહ્યા છે જેનાથી પોલીસને આવી ઘટનાની નોંધ લેવી પડશે. આગામી સપ્તાહે લોર્ડ્સમાં ડોમેસ્ટિક એબ્યુઝ બિલમાં સર્વપક્ષી સુધારા મુદ્દે મતદાન કરાશે જેનો હેતુ અપરાધ કોઈની જાતિ અથવા જેન્ડર તરફ તિરસ્કારના કારણે થયો છે કે કેમ તેની નોંધ તમામ પોલીસ ફોર્સે લેવી પડશે.