લંડનઃ ફ્રૂટ અને વેજિટેબલ્સના ખોખામાં ૧૪ મિલિયનથી વધુ સિગારેટ્સનું સ્મગલિંગ કરનારી ક્રિમિનલ ગેંગના સભ્યોને ૨૧ જુલાઈએ આઈઝલવર્થ ક્રાઉન કોર્ટ દ્વારા ૧૫થી વધુ વર્ષ જેલની સજા કરાઈ છે. દુબઈથી ઈસ્ટ આફ્રિકા થઈને યુકેમાં ગેરકાયદે સિગારેટ્સનું શિપિંગ કરાવીને £૩ મિલિયનથી વધુ રકમની જકાતચોરી થઈ હોવાનું રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગની જાણમાં આવ્યું હતું. આ સંદર્ભે મે ૨૦૧૨માં ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં ફિરોઝ અબુબકર બાટલીવાલાને આઠ વર્ષ અને છ મહિના, ક્રિષ્ણ સોલંકીને સાત વર્ષ અને બકિંગહામશાયરના આશિકીર રોહમાન અલીને ૨૦ મહિનાની જેલની સજા ૨૪ મહિના માટે સસ્પેન્ડ કરવા સાથે ૧૦૦ કલાકના અવેતન કાર્યનો આદેશ કરાયો હતો. મૂળ ભારતીય અને દુબઈના રહેવાસી ફિરોઝ બાટલીવાલાને કંપની ડિરેક્ટર બનવા સામે ૧૨ વર્ષનો અને લંડનના ક્રિષ્ણ સોલંકીને ૧૦ વર્ષનો પ્રતિબંધ લગાવાયો હતો.
HMRCના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશનના આસિસ્ટન્ટ ડિરેક્ટર જ્હોન કૂપરે જણાવ્યા અનુસાર ફિરોઝ બાટલીવાલા દુબઈમાં સિગારેટ્સની ખરીદી, શિપિંગ અને ડિલિવરીનું કાર્ય કરતો હતો. ક્રિષ્ણ સોલંકી યુકેમાં માલ સ્વીકારી અક્સબ્રિજમાં આવેલા ગોદામની કામગીરી સંભાળતો હતો. અલી સિગારેટ્સનું નવેસરથી લોન્ડ્રી બેગ્સમાં પેકિંગ કરી મિડલેન્ડ્સમાં ચોક્કસ ગ્રાહકોને ડિલિવરી કરતો હતો. ક્રિમિનલ પ્રોફિટ્સ પાછા મેળવવા જપ્તીની કાર્યવાહી આરંભાઈ છે. બાટલીવાલા અને સોલંકી ફેલ્ટહામમાં આવેલી સ્કેનવેલ ફ્રેટ સર્વિસીસ લિમિટેડ કંપની ચલાવતા હતા.
આ ઉપરાંત, ખાસ બનાવટના કોટ અને સામાનમાં સિગારેટ્સની યુકેમાં દાણચોરી કરવા બદલ ચેમ્સફર્ડ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ૬૩ વર્ષીય જબ્બાર સત્તારને નવ મહિનાની જેલની સજા ફરમાવી હતી. જબ્બાર ૧૬ એપ્રિલે મોરોક્કોના મારકેશથી સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેની પાસેથી ૭,૨૦૦ સિગારેટ્સ જપ્ત કરીને ધરપકડ કરાઈ હતી. અગાઉ પણ તેને ત્રણ વખત યુકેના એરપોર્ટ્સ પર સ્મગલિંગની શંકાએ અટકાવી કુલ ૧૮,૮૦૦ સિગારેટ્સ જપ્ત કરી આરોપ દાખલ કરાયા હતા.