સિટી ઓફ લંડન દ્વારા 28 ઓક્ટોબરે રંગબેરંગી ફૂલો અને મિણબત્તીઓથી સજાવાયેલા ગિલ્ડહોલમાં દિવાળી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોર્ડ મેયર એલ્ડરમેન વિન્સેન્ટ કેવેની, લોર્ડ કરણ બિલિમોરિયા, યુકે ખાતેના ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષ, ‘ફિક્કી’-યુકેના ડો. પરમ શાહ, સિટી શીખ્સ નેટવર્કના જસવીર સિંઘ, કાઉન્સિલર પ્રણવ ભાનોત સહિત વિવિધ ધર્મ અને સમુદાયના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે લોર્ડ મેયર કેવેનીએ જણાવ્યું હતું કે, ‘આજની આ સાંજે સિટી ઓફ લંડનમાં અમારી સાથે આ સમુદાયો ઉપસ્થિત હોવાનો અમને બહુ જ આનંદ છે. હું જાણું છું કે ડાઉનિંગ સ્ટ્રીટમાં આ વર્ષે પ્રકાશનું આ પર્વ ખૂબ જ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવાઇ રહ્યું છે. આ અદ્ભુત છે. યુકેના જીવનમાં બ્રિટિશ ભારતીય સમુદાયોના યોગદાનનું આ એક સશક્ત ઉદાહરણ છે, જે અહીં શહેરમાં પણ ખૂબ જ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.’ લોર્ડ મેયરે વધુમાં કહ્યું હતું કે ‘મને અનેક પ્રસંગોએ ભારતની મુલાકાત લેવાનો અવસર મળ્યો છે, અને તાજેતરમાં ગયા મહિને જ... ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને નજરમાં રાખીએ તો કહી શકાય કે યુકે-ભારતના મજબૂત સંબંધો વધુ મજબૂત બનશે. આ ઉજવણી અંધકાર પર પ્રકાશના વિજયની, અનિષ્ટ પર સારપના અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયની ઉજવણી છે.’ લોર્ડ મેયરના સંબોધન બાદ ડો. ઋષિ હાંડાએ ટૂંકું સંબોધન કર્યું હતું.
દિપાવલીના પ્રતીકરૂપે ડેપ્યુટી હાઇ કમિશનર સુજીત ઘોષ, ડો. રિશી હાંડા અને લોર્ડ મેયર દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. કાર્યક્રમના અંતે વિજય વેન્કટ દ્વારા સૂરીલુ બાંસુરીવાદન જ્યારે રાગસુધા અને મંજુ દ્વારા શાસ્ત્રીય નૃત્ય રજૂ થયા હતા.