ઇસ્ટ લંડન, એસેક્સ સહિત યુ.કે.ભરમાં ખ્યાતનામ સિટી પેવેલિયન, પન્ના રેસ્ટોરન્ટ અને મિલેનિયમ ગૃપના સ્વપ્નદ્રષ્ટા, ડાયરેકટર શ્રી વસંતભાઇ ડાયાલાલ લાખાણી તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૦, ક્રિસમસ ડે, મોક્ષદા એકાદશી, ગીતાજયંતિના દિવસે આ ફાની દુનિયા છોડી અનંતની યાત્રાએ ચાલ્યા ગયા છે. ૭૨ વર્ષના વસંતભાઇ નામ પ્રમાણે ગુણ ધરાવતા હતા. સદાય બહાર, ચહેરા પર મૃદુ સ્મિત વેરતા વસંતભાઇને હજારો લોકોએ સિટી પેવેલિયનમાં જોયા હશે. મોટા પાયે યોજાતા સમારંભોમાં તેઓ એક બીઝનેસમેન તરીકે નહીં પણ સૌને આદરપૂર્વક મળી આતિથ્ય સત્કાર કરતા દીઠા છે. ઇસ્ટલંડનની વ્હિપ્સક્રોસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન ભારે હાર્ટએટેક આવતાં તેઓએ ક્રિસમસના દિવસે સવારે આખરી શ્વાસ લીધા હતા. વસંતભાઇ મલાવીના બ્લેન્ટાયરથી ૧૯૭૬માં યુ.કે. આવ્યા હતા.
એમના બીઝનેસમાં ખભેખભા મિલાવી ચાલનાર ધર્મપત્ની પન્નાબેન, દીકરીઓ હીના, સપના, પુત્રો રિશી, શ્યામ સહિત બહોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. બ્લેન્ટાયરમાં લાખાણી કુટુંબનો બીઝનેસ હતો. વસંતભાઇની અણધારી ચિરવિદાયથી ભાઇ રમેશભાઇ, સુરેશભાઇ તથા બહેનો મંજુબેન તથા જશુબેન સહિત સમગ્ર લાખાણી પરિવાર શોકાતુર બન્યો છે. ઇસ્ટ લંડનમાં નાગરેચા પરિવાર અને કેશ એન્ડ કેરીથી સૌ કોઇ પરિચિત છે. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર નાગરેચા પરિવાર ઉંડા શોકમાં ડૂબી ગયો છે. વસંતભાઇ એ નાગરેચા બંધુઓ વિનુભાઇ, હસુભાઇ, ચંદુભાઇ, જયાબેન, ઉષાબેન તથા ઉર્મિબહેનના (જિજાજી) બનેવી થાય છે. સંપર્ક: પન્નાબેન 07875 337558; રમેશભાઇ લાખાણી 07958 379393; વિનુભાઇ નાગરેચા 07946 565888