લંડનઃ સીરિયામાં અસાદ શાસનના ટીકાખોર ઉપદેશક અબ્દુલ-હાદી અરવાની આઠ એપ્રિલની સવારે વેમ્બલીમાં પાર્ક કરાયેલી કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું કે કાઉન્ટર-ટેરરિઝમ વિભાગના ડિટેક્ટિવો આ હત્યાની તપાસ કરી રહ્યા છે. પોલીસે હત્યાના કારણ કે હેતુ વિશે અટકળો કરવાનું નકાર્યું છે. પોલીસે હત્યાના ષડયંત્રની શંકાએ બ્રેન્ટમાંથી ૪૬ વર્ષની વ્યક્તિની ધરપકડ કરી પૂછપરછ આદરી હતી.
સીરિયામાં જન્મેલા ૪૮ વર્ષીય અરવાની વેસ્ટ લંડનના એક્ટનમાં અન-નૂર મસ્જિદના કલ્ચરલ અને કોમ્યુનિટી સેન્ટરમાં પૂર્વ ઈમામ હતા. સ્પષ્ટવક્તા અરવાનીએ તેમને મોતની ધમકીઓ મળી હોવાની ફરિયાદ કરી હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. મુખ્યત્વે લંડન વિસ્તારમાં કાર્યરત અરવાની ઈસ્લામિક લગ્ન કરાર અને ડાઈવોર્સ કાયદાના નિષ્ણાત મનાતા હતા.