લંડનઃ ડર્બીશાયરમાં શીખ ગુરુદ્વારા નજીક જુલાઈ ૨૦૧૫માં મળેલા ૭૪ વર્ષીય સતનામસિંહની હત્યા સંદર્ભે ૨૯ વર્ષીય સુખરાજસિંહ અટવાલ સામે નોટિંગહામ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલનો આરંભ થયો છે. પોલીસે જણાવ્યું હતું કે ઈજા જોતાં મૃતકની કાર સાથે ટક્કર થઈ હોઈ શકે. જોકે, ફોરેન્સિક પરીક્ષણોમાં કારથી ટક્કર નહિ થયાનું બહાર આવ્યું છે. અટવાલે તેણે હત્યા કર્યાનું નકાર્યું હતું.
પ્રોસીક્યુશને આક્ષેપ કર્યો હતો કે અટવાલ વારંવાર સતનામસિંહ સાથે ટકરાયો હતો અને તેમની પર કુદ્યો હતો. સતનામસિંહ અટવાલની માતાના પૂર્વ પતિના પિતા હતા. સતનામસિંહ ૨૩ જુલાઈની વહેલી સવારે સેવા આપવા ગુરુદ્વારા ચાલીને જઈ રહ્યા ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. તેમના પાંસળીઓને ૪૧ ફ્રેક્ચર, હૃદય પર ઉઝરડાં તેમજ માતા અને ચહેરા પર ઈજા જોવાં મળી હતી. હુમલાના સમયે અટવાલની કાર અનેક વખત સ્થાનિક સીસીટીવી કેમેરામાં ઝડપાઈ હતી.