લંડનઃ વિશ્વની કોઈપણ જગ્યાએ નોકરીનો ઈન્ટરવ્યૂ આપવા જઈએ તો રિઝ્યૂમ અપ-ડેટ કરી લઈએ, જે અભ્યાસ કર્યો હોય તે અને થોડું જનરલ નોલેજ પણ મમળાવી લઈએ. આ બધા છતાં તમારા સંભવિત બોસ પ્રશ્ન પૂછે કે ‘સુપરમેન અને બેટમેન વચ્ચે લડાઈ થાય તો કોણ જીતે?’ અથવા એવો પ્રશ્ન કરે કે,‘ખાડામાં પડી ગયેલાં હિપોપોટેમસને કેવી રીતે બહાર કાઢશો?’ તો તમે ચોક્કસ બેભાન થઈ જશો.
એસોસિયેશન ઓફ એકાઉન્ટિંગ ટેક્નિશીઅન્સ દ્વારા યુકેમાં ૨૦૦૦ વ્યક્તિનાં સર્વેમાં વિચિત્ર પ્રશ્નોની આ હકીકતો બહાર આવી છે. આવા ચિત્રવિચિત્ર પ્રશ્નોથી અથવા કોઈ કામગીરી કરવાનું જણાવી નોકરીના આશાવાદીને ગૂંચવી નખાય છે. સંભવિત બોસનો હેતુ અણધારેલાં પ્રશ્નોથી ઉમેદવાર મૂંઝાઈ જાય છે કે હવામાં પણ તલવાર ચલાવી શકે છે તે જાણવાનો હોય છે. સૌથી કઠણ પ્રશ્નો તો ઉમેદવારને તેની નબળાઈઓ જણાવવા અથવા તમારી જાતને ત્રણ શબ્દોમાં વર્ણવો તેમ કહેવાય તે છે.
બ્રિટિશ ઉમેદવારોને કરાયેલાં કેટલાંક વિચિત્ર પ્રશ્નો અને કામગીરીની ટુંકી યાદી પરથી તમને ખ્યાલ આવી જ જશે કે ઉમેદવારોની હાલત કેવી થતી હશે.
• તમને થોડાં વિશે ઘણું કે ઘણાં વિશે થોડું જાણવું ગમે? • તમે ડિનર પાર્ટીમાં કોને આમંત્રણ આપશો? • ‘સુપરમેન અને બેટમેન વચ્ચે લડાઈમાં કોણ જીતે?’ • તમારા ફેવરિટ ‘ડોક્ટર વ્હુ’ કોણ છે? • તમને વિડીઓ ગેમ પાત્ર બનવું ગમે અને શા માટે? • તમને કઈ ત્રણ સેલેબ્રિટી સાથે રાત્રે બહાર ફરવા જવું ગમે? • તમે ફેસબુક પર તમારા કાર્યનું પોસ્ટિંગ કરશો? • તમે સાચા હોવાનું કે લોકોને ગમવાનું પસંદ કરશો? • તમે કામની બહાર જીન્સ પહેરો છો? • જો સૂર્ય ના હોય તો તમે શું કરો? • તમે કોરોનેશન સ્ટ્રીટ કે ઈસ્ટએન્ડર્સના ચાહક છો? • જો સ્ટાફના કોઈ સભ્યને બોસને કિસ કરતા જોઈ જાઓ તો તમે શું કરશો? • તમને કેવા ડાયનોસોર બનવું ગમશે? • ફ્રેન્કેસ્ટાઈન પુસ્તક વાસ્તવમાં સરકારી અંકુશો વિશે છે? • આ ફિલ્મના દૃશ્યને ફરી ભજવી બતાવો (અન્ય ઉમેદવાર સાથે) • એક મિનિટમાં પેપર કપનો ટાવર બનાવો, જે સૌથી ઉપરના કપમાં પાણી રેડો તો પડી ન જાય. • આ BIC પેનના ૨૦ યુનિક સેલિંગ પોઈન્ટ્સ કહો.• તમારી સાથે રમકડું લાવો અને તે તમારું કે તમારા વ્યક્તિત્વનું કેવું પ્રતિબિંબ પાડે છે તે સમજાવો. • જાફા કેક કેક છે કે બિસ્કિટ? • બ્લડ સ્પોર્ટ વિશે તમે શું માનો છો? • જો હિપ્પો ખાડામાં પડી જાય તો કેવી રીતે બહાર કાઢશો? • તમને બાથરુમમાં ગાવાનું ગમે છે? • તમે ટ્રાફિકની પીળી લાઈટમાં વાહન દોડાવી જશો?