લંડનઃ આ વાત જરા પણ ખોટી નથી. યોર્કના એક પુરુષે કોઈ પણ સ્ત્રી સાથે એક વખત કે તેથી વધુ સમય શરીરસંબંધ બાંધવો હોય તેના ૨૪ કલાક પહેલા નોર્થ યોર્કશાયર પોલીસને જણાવવું પડશે. આ પુરુષને તેના મોબાઈલ ફોન કે અન્ય ઉપકરણ દ્વારા ઈન્ટરનેટના ઉપયોગ અથવા લોકોને ટેક્સ્ટ સંદેશા મોકલવા અંગે પણ પોલીસને માહિતી આપવાની રહેશે.
આ અનામી પુરુષ પરના નિયંત્રણો ૧૯ મે સુધી ચાલનારા વચગાળાના સેક્સ્યુઅલ રિસ્ક ઓર્ડરનો ભાગ છે. આ દિવસે યોર્કના મેજિસ્ટ્રેટ્સ સંપૂર્ણ ઓર્ડર આપવો કે તેને ક્યાં સુધી લંબાવવો તેનો નિર્ણય આપવાના છે. વચગાળાનો ઓર્ડર એવો છે કે તે કોઈ સ્ત્રી સાથે કોઈ પ્રકારના જાતીય સંબંધો બાંધવા ઈચ્છતો હોય અથવા એક વારની જાતીય પ્રવત્તિ માણવા ઈચ્છતો હોય તો તેણે સ્ત્રીનાં નામ-ઠામ સાથે નોર્થ યોર્કશાયર પોલીસને આગોતરું જણાવવું પડશે. આ નિયંત્રણ ઓછું હોય તેમ, જો તે કોઈ કારણસર બીજા દેશમાં જાય તો ત્યાંની સ્થાનિક પોલીસને પણ આ જ રીતે માહિતી આપવાની રહેશે.
સંપૂર્ણ સેક્સ્યુઅલ રિસ્ક ઓર્ડરનો ઓછામાં ઓછો સમયગાળો બે વર્ષનો હોય છે અને તેના ભંગ બદલ પાંચ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. કોઈ પુરુષને જાતીય અપરાધનો ગુનેગાર ઠરાવાયો ન હોય, પરંતુ પોલીસ કોર્ટને સમજાવી શકે કે જાહેર જનતાને આ પુરુષ કે સ્ત્રીથી બચાવવા આવો આદેશ કરવો જરૂરી છે ત્યારે તેના વિરુદ્ધ આવો આદેશ કરવામાં આવે છે.