બુધવારે ફ્લોરિડા ફેડરલ કોર્ટમાં દાખલ કરેલા નવા વિસ્ફોટક દસ્તાવેજોમાં મિસ રોબર્ટ્સે જણાવ્યું છે કે,‘પ્રિન્સના મારી સાથે કોઈ સેક્સ્યુઅલ સંબંધ હોવા અંગે બકિંગહામ પેલેસના ભારપૂર્વકના ઈનકારોને મેં જોયાં છે. આ ઈનકાર ખોટાં અને પીડાજનક છે. મેં સોગંદ હેઠળ જણાવ્યું છે તેમ મારો તેમની સાથે જાતીય સંબંધ હતો. હું આશા રાખું છું કે તેઓ સ્વૈચ્છિક રીતે આગળ આવી બધું સત્ય જણાવે. મારા એટર્નીઝ પ્રિન્સ એન્ડ્ર્યુનો સોગંદ હેઠળ ઈન્ટરવ્યૂ લઈ શકે અને તેઓ સત્ય કહેશે તેવી આશા છે.’ તેણે જણાવ્યું હતું કે,‘મારી તથા અન્ય છોકરીઓ વિરુદ્ધ આચરેલા ગુનાઓ માટે આ શક્તિશાળી લોકો સામે ક્રિમિનલ આરોપો દાખલ કરવા તમામ વાજબી અને કાનૂની પગલાં લેવાં મેં મારા વકીલોને સૂચના આપી છે.’ ૧૪ જાન્યુઆરીએ ધારાશાસ્ત્રી જેક સ્કારોલાએ પ્રિન્સને લખેલા પત્રની સાથે મિસ રોબર્ટ્સ સાથે ઉભેલા પ્રિન્સની તસવીર પણ સામેલ કરાઈ હતી.
નવા દસ્તાવેજોમાં પ્રિન્સની બરાબર પાછળ પડી જવાનો ઈરાદો દર્શાવતા મિસ રોબર્ટ્સે ખળભળાટ મચાવનારા ગત ત્રણ સપ્તાહમાં તેના દાવાને ખોટાં ગણાવી પ્રિન્સે કરેલા ઈનકારો સામે પણ આકરાં પ્રહારો કર્યા છે. તેણે દાવો કર્યો હતો કે પ્રિન્સે પહેલી વખત તેણી સાથે જાતીય સંબંધ બાંધ્યો ત્યારે તેમના પોલીસ ગાર્ડ્સ બન્નેને એકલા મૂકી ચાલ્યા ગયા હતા. પ્રિન્સ અને અન્ય આઠ છોકરીઓ સાથે જાતીય રંગરાગમાં તે સામેલ હતી. જોકે, બકિંગહામ પેલેસે પ્રિન્સના મિસ રોબર્ટ્સ સાથે કોઈ પણ સેક્સ્યુઅલ સંપર્ક કે સંબંધ હોવાના દાવાઓ ભારપૂર્વક નકારી કાઢ્યા છે.
વિસ્ફોટક દસ્તાવેજોમાં પૂર્વ અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટ્ન સાથે કદી પણ સેક્સ માણ્યાનો મિસ રોબર્ટ્સે ઈનકાર કર્યો છે, પરંતુ પ્રિન્સ એન્ડ્ર્યુ અને બિલિયોનેર જેફ્રી એપ્સટીન સાથેના અંતરંગ સેક્સ સંબંધોની વાત જણાવી છે. જેન ડો નંબર ત્રણ તરીકે ઓળખાવાયેલીઅને ત્યારે માત્ર ૧૭ વર્ષની આ યુવતીએ ૨૦૦૧માં પ્રિન્સ એન્ડ્ર્યુ અને ૧૧ વ્યક્તિના રંગરાગની હલકી રસપ્રચૂર વિગતો રજૂ કરી છે. અત્યારે ૩૧ વર્ષની મિસ રોબર્ટ્સનો દાવો છે કે તે ૧૫ વર્ષની હતી ત્યારે એપ્સ્ટીનની પૂર્વ ગર્લફ્રેન્ડ ઘીસલેઈન મેક્સવેલે તેની ભરતી કરી હતી અને ૧૯૯૯થી ૨૦૦૨ના ગાળામાં તેણે એપ્સ્ટીન માટે કામ કર્યું હતું.