લંડનઃ યુકેના સૌથી મોટા સેન્ડવિચ ઉત્પાદક ગ્રીનકોરના ઈસ્ટ લંડન પ્લાન્ટમાં ઈમિગ્રેશન પોલીસના દરોડામાં ૩૨ ગેરકાયદે ઈમિગ્રન્ટ વર્કર પકડાયાં હતા. બનાવટી ઓળખ કાર્ડ્સ ધરાવતાં પૂર્વ યુરોપીય અને આફ્રિકન વર્કર્સને હાથકડીમાં લઈ જવાયા હતા. સેન્ડવિચ ઉત્પાદક કંપની અને રીક્રુટમેન્ટ એજન્સીઓને પકડાયેલા વર્કરદીઠ £૨૦,૦૦૦નો દંડ થઈ શકે છે. યુકેમાં અડધોઅડધ સેન્ડવિચીઝનું ઉત્પાદન કરતી આ કંપની વેઈટ્રોસ, માર્ક્સ એન્ડ સ્પેન્સર, સેઈન્સબરીસ અને અસ્ડાને સેન્ડવિચ સપ્લાય કરે છે. દરમિયાન, સેન્ટ એલ્બાન્સ નજીક M1 માર્ગ પરની લોરીમાં લઈ જવાતાં ૧૭ વિયેટનામી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને પોલીસે પકડ્યાં હતાં. આ સંબંધે પોલીશ લોરી ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. યુકેમાં ગેરકાનૂની પ્રવેશમાં મદદના ગુનાસર તેને £૩૬,૦૦૦નો દંડ થઈ શકે છે. બે માઈગ્રન્ટ સિવાયના બાકીના સગીર વયના હતા.
ગેરકાયદે રોજગારી મેળવતાં ઈમિગ્રન્ટ્સ પર તૂટી પડવાના હોમ ઓફિસના અભિયાનના ભાગરૂપે ઈમિગ્રેશન ઓફિસરોએ ૨૯ જુલાઈએ માહિતીના આધારે મોટા સેન્ડવિચ ઉત્પાદક ગ્રીનકોરના પ્લાન્ટ પર દરોડો પાડ્યો હતો. તેમણે બનાવટી ઓળખ દસ્તાવેજો ફેંકવાનો પ્રયાસ કરતા અને મિત્રોને કામે નહિ આવવાની ચેતવણીના ફોન કરતા ૩૨ પૂર્વ યુરોપીય અને આફ્રિકન કામદારને ઝડપી લીધાં હતાં. તેમના લોકર્સને તોડવામાં આવ્યાં હતાં અને પૂછપરછ પછી તેમની ધરપકડ થઈ હતી. નવ કામદારને કસ્ટડીમાં રીમાન્ડ અપાયા હતા, જ્યારે એક વર્કરને જામીન મળ્યા હતા. બાકીના ૨૨ વર્કરની તપાસ અને પૂછપરછ ચાલી રહી છે અને યોગ્ય જણાશે તો તેમને હદપાર કરી દેવાશે.
આયર્લેન્ડસ્થિત ગ્રીનકોર કંપની બ્રિટનમાં ત્રણ સેમ્ડવિચ ફેક્ટરી ધરાવે છે, જ્યાં વર્ષે ૪૩૦ મિલિયન સેન્ડવિચનું ઉત્પાદન થાય છે. બ્રોમલી-બાય-બો ખાતેના આ પ્લાન્ટમાં ૭૫૦ વર્કર આઠ અને ૧૨ કલાકની શિફ્ટ્સમાં કામ કરે છે. કેટલાક પ્રતિ કલાક £૬.૫૦નું લઘુતમ વેતન મેળવે છે. કંપની વર્કર્સના દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરવામાં નિષ્ફળ ગયાનું સાબિત થશે તો વર્કરદીઠ £૨૦,૦૦૦ સુધીના દંડને પાત્ર બનશે. ગ્રીનકોરના કાયદેસરના વર્કર પણ આ દરોડાથી ચિંતિત છે. કંપનીને દંડ થાય અને તેના કોન્ટ્રાક્ટ્સ ગુમાવે તો તેમની નોકરી પણ મુશ્કેલીમાં આવી શકે છે.